પત્ર@ઝાલોદ: એપીએમસીના વહીવટનુ રેકર્ડ માગ્યું, સેક્રેટરીનુ વલણ પારખી હવે તપાસ ટીમ રૂબરૂ જશે

 
Zalod apmc
રજૂઆતમાં કંઈક તથ્ય હોઈ શકે તેવું સહકારી અધિકારીએ જણાવતાં મામલો રસસ્પદ બનતો જાય છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

ઝાલોદ માર્કેટયાર્ડના વહીવટ મામલે પૂર્વ વાઇસ ચેરમેનની ગંભીર આક્ષેપો સાથેની રજૂઆત બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. પ્લોટ ફાળવણી અને દસ્તાવેજો મામલે ગેરરીતિ થઈ હોવાની ચોકાવનારી રજૂઆત બાદ રજીસ્ટ્રાર કચેરીએ તપાસ શરૂ કરી છે. જોકે ઝાલોદ એપીએમસીના સેક્રેટરીનું વલણ પારખી સમજી તપાસ ટીમ આગામી ટૂંક સમયમાં સ્થળ ઉપર જશે. અગાઉ અને આજે રેકર્ડ લઈ આવવાનું કહ્યું હતુ પરંતુ કચેરીમાં મિટિંગ પૂરી થતાં જ સેક્રેટરી ચાલી નિકળ્યા હોવાનું તપાસકર્તા ઉમેશભાઈએ જણાવ્યું છે. આથી હવે ઝાલોદ એપીએમસીના વર્ષ 2022થી પ્લોટ બાબતના વહીવટ અને વિવિધ ઠરાવો સહિતનું રેકર્ડ જોવા ચકાસણી કરવા તપાસ ટીમ જશે. વાંચો વધુમાં શું કહ્યું સહકારી અધિકારી ઉમેશ રાઠોડે

દાહોદ જિલ્લાના ઝાલોદ માર્કેટયાર્ડના ચેરમેન સહિત 4 ડિરેક્ટરો વિરુદ્ધ પૂર્વ વાઇસ ચેરમેન વિજયભાઈ કોળીએ ગંભીર આક્ષેપો સાથેની રજૂઆત કરેલી છે. તાજેતરના પ્લોટ ફાળવણી બાબતે મોટાપ્રમાણમાં ગેરરીતિ આચરી કરોડોનું કૌભાંડ કર્યું હોવાની રજૂઆતથી ખળભળાટ મચી ગયો છે. રજૂઆત આવતાં દાહોદ રજીસ્ટ્રાર કચેરીએ શરૂઆતમાં ખાસ કંઈ કર્યું નહિ પરંતુ મામલો મિડીયામા ચડતાં અને અરજદારે વારંવાર રજૂઆતો ચાલુ રાખતાં તપાસ થોડી ગતિમાં આવી છે. આ બાબતે દાહોદ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના સહકારી અધિકારી ઉમેશ રાઠોડે જણાવ્યું કે, રજૂઆત કર્તાના આક્ષેપો ગંભીર હોઈ અને પ્રાથમિક સત્યતા લાગતી હોઈ તપાસ ત્વરિત શરૂ કરી છે. જેમાં બબ્બે વખત સેક્રેટરીને રેકર્ડ લઈ આવવા જણાવ્યું પરંતુ ટાળી રહ્યા છે. આજે પણ મિટિંગ હતી એટલે તારીખ આપીને વર્ષ 2022થી કરેલ વહીવટનુ રેકર્ડ માગ્યું હતું પરંતુ તરત નિકળી ગયા હતા. હવે શું પૂછતાં જે જણાવ્યું તે વાંચો નીચેના ફકરામાં.

આ બાબતે સહકારી અધિકારી ઉમેશ રાઠોડે જણાવ્યું કે, આગામી સપ્તાહમાં હવે અમારી ટીમ ઝાલોદ એપીએમસી જશે અને અગાઉથી તેની જાણ સેક્રેટરીને કરી દેશું. જો સેક્રેટરી હાજર નહિ રહે તો તેમના મદદનીશને પણ હાજર રાખવા જણાવીશું કેમ કે વિષય ગંભીર હોઈ રેકર્ડ જોવાથી ખ્યાલ આવશે. અમોએ વર્ષ 2022થી પ્લોટ વેચાણની વિગતો, દસ્તાવેજની વિગતો, ઠરાવની નકલો અને એજન્ડા સહિતના કાગળો માંગેલ છે એટલે રૂબરૂ મુલાકાતે જઈ આ તમામ રેકર્ડ જોવામાં આવશે.