લોકસભા@દેશ: રાહુલ ગાંધીએ કહ્યું, 'આ મહિલાઓ માટેનો કાયદો નથી, આ દેશનો ચૂંટણી નકશો બદલવાનો પ્રયાસ'
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સંસદના વિશેષ સત્રમાં સરકારે મહિલા અનામત અને સીમાંકન બિલ રજૂ કર્યું છે. જેના પર આજે સાંજે મતદાન થવાનું છે. મતદાન પહેલા લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સંસદમાં સંબોધન કર્યું હતું. સંબોધનની શરૂઆતમાં સ્પીકરે રાહુલ ગાંધીના ખબર-અંતર પૂછ્યા હતા. ભાષણની શરૂઆતમાં જ જ્યારે સ્પીકરે તેમના હાથમાં લાગેલી ઈજા વિશે પૂછ્યું, ત્યારે તેમણે સ્મિત સાથે જવાબ આપ્યો કે, સર, અંગૂઠામાં ઈજા થઈ છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે રાષ્ટ્રીય પરિદ્રશ્યમાં મહિલાઓ એક 'સેન્ટ્રલ ફોર્સ' છે. આપણા સૌના જીવનમાં માતા અને બહેન તરીકે મહિલાઓનું સ્થાન અત્યંત મહત્વનું છે. પોતાની બહેન પ્રિયંકા ગાંધીના સંબોધનનો ઉલ્લેખ કરતા રાહુલે સ્વીકાર્યું કે, ગઈકાલે જ્યારે પ્રિયંકા બોલી રહી હતી, ત્યારે તેણે માત્ર 5 જ મિનિટમાં એ કરી બતાવ્યું જે હું 20 વર્ષમાં કરી શક્યો નથી. તેઓએ કહ્યું કે પ્રિયંકા ગાંધીના ભાષણ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહના ચહેરા પર સ્મિત જોવા મળ્યું, જે આજ સુધી હું પણ કરી શક્યો નથી.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, પહેલું સત્ય તો એ છે કે આ મહિલા અનામત બિલ નથી, કારણ કે તે તો 2023માં જ પસાર થઈ ચૂક્યું છે. આ બિલ દેશનો ચૂંટણી નકશો બદલવાનો પ્રયાસ છે. આ બિલનો મહિલા સશક્તિકરણ સાથે કોઈ લેવાદેવા નથી. સરકાર માત્ર સત્તા જાળવી રાખવા માટે આ દાવ રમી રહી છે. આ બિલ દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગોના અધિકારો છીનવી લેવાનો એજન્ડા છે. આનાથી તેમની ભાગીદારી ઓછી થઈ જશે. સરકારે જે પ્રયોગ કાશ્મીર અને આસામમાં કર્યો તે જ હવે આ 'રાષ્ટ્રવિરોધી' દ્વારા સમગ્ર દેશમાં કરવા માંગે છે.

