લોકસભા ચૂંટણી: એર સ્ટ્રાઇકને લઇ કોંગ્રેસી પ્રવક્તાનો BJP પર પલટવાર

અટલ સમાચાર,ડેસ્ક કોંગ્રેસના પ્રશ્નો અને ભાજપ પર આક્ષેપો બાદ નરેન્દ્ર મોદીએ તેને સેના સાથે જોડીને કોંગ્રેસને નિશાને લીધી હતી, જેના પર કોંગ્રેસ પ્રવક્તાએ જવાબ આપ્યો હતો. આ અંગે કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે પોતાના ફેસબુક પેજ પર જણાવ્યું છે કે, પાકીસ્તાનને પીપડા ભરીને ગાળો આપી સત્તામાં આવેલા મોદી સાહેબ પોણા પાંચ વરસ સુધી તેને ગળે લગાડતાં
 
લોકસભા ચૂંટણી: એર સ્ટ્રાઇકને લઇ કોંગ્રેસી પ્રવક્તાનો BJP પર પલટવાર

અટલ સમાચાર,ડેસ્ક

કોંગ્રેસના પ્રશ્નો અને ભાજપ પર આક્ષેપો બાદ નરેન્દ્ર મોદીએ તેને સેના સાથે જોડીને કોંગ્રેસને નિશાને લીધી હતી, જેના પર કોંગ્રેસ પ્રવક્તાએ જવાબ આપ્યો હતો.

આ અંગે કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે પોતાના ફેસબુક પેજ પર જણાવ્યું છે કે, પાકીસ્તાનને પીપડા ભરીને ગાળો આપી સત્તામાં આવેલા મોદી સાહેબ પોણા પાંચ વરસ સુધી તેને ગળે લગાડતાં રહ્યાં અને ચુંટણી સામે દેખાતા જ એર સ્ટ્રાઇકના નામે ગળુ ફાડવા લાગ્યા.

શાલ અને સાડીથી શરૂ થયેલી કુટનીતી છેક મારો-કુટો સુધી પહોંચી તે સરકારની સફળતા કે નિષ્ફળતા એ સવાલ પર ચર્ચા કરવાના બદલે વગર બોલાવે લાહોર જઈ કેક કાપી આવનાર મોદીજીની છાતીમાં સ્ટ્રાઇકની એર ભરી છપ્પન ઈંચી સાબિત કરવાના ગતકડાં થઈ રહ્યા છે. આપણા સિપાહીઓનાં માથા કાપી મોકલનાર પાકીસ્તાનને કેરીના ટોપલા મોકલતા મોકલતા મોદીજી અચાનક ધમકીઓના પોટલાં કેમ છોડવા લાગ્યા તે સમજવું જરૂરી છે.

જયરાજસિંહે જણાવ્યુ હતુ કે, પઠાણકોટ, ઉરી અને પુલવામામાં ગુપ્તચર વિભાગની નિષ્ફળતા (ઈન્ટેલીજન્સ ફેઇલ્યોર) ની નામોશી ટાળવા એર સ્ટ્રાઇકનો સહારો લેવાઈ રહ્યો છે. શપથ વખતના નિર્બળ વડાપ્રધાને એવા તો ક્યા બહાદુરીના ઇન્જેક્શન લીધા કે આટલી હિંમત આવી ગઈ. જે લોકો મોદીજીને ઓળખે છે તેઓ જાણે છે કે ચુંટણીના ભણકારા અને તેને કોઈ પણ ભોગે જીતવાના ધબકારા જ તેમની જીવંતતાનું કારણ છે.

વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, ચુંટણી આવશે એટલે મોદીજી કંઈક નવાજુની કરશે, જોરદાર દાવ લાવશે, કંઈક ખેલ કરશે, ક્યાંકે બૉમ્બ બ્લાસ્ટ થશે કે ક્યાંક કોમી રમખાણો થશે એવી વાતો તેમના ભક્તો પણ ગર્વથી કરતા હોય ત્યારે સંદેહ સેના પર નહી મોદીજી પર થવો એ નાગરિક ચેતનાનો પુરાવો છે. સવાલ સેના પર નહી સરકારની મનશા પર છે. વાયુ સેનાધ્યક્ષ ધનોઆજી એ સ્પષ્ટ કર્યું કે અમને ચીંધેલા લોકેશન પર હીટ કરવું એ જ અમારૂ કામ છે અમે લાશો ગણતા નથી. તો સવાલ સ્વાભાવિક છે કે આ અઢીસો થી લઈને સાડા ત્રણસો આતંકીઓની લાશ ગણવા કઈ એજન્સી કામે લાગી હતી. શું મીરાજની સાથે કેટલાક મીડીયાકર્મી કે સેન્સેક્સ અધિકારી પણ લાશો ગણવા આ એરસ્ટ્રાઈકમાં સામેલ હતા? શૌચાલયમાં પણ સેલ્ફી લેતા આ મનોરોગીઓ આટલા આતંકીઓના શબ વચ્ચે પોતાને ફોટો લેતા કઈ રીતે રોકી શકે એ પણ મુખ્ય પ્રશ્ન છે.

જયરાજસિંહએ લખ્યુ છે કે, કેન્દ્રીય મંત્રી આહુવાલીયા એર સ્ટ્રાઇક કોઈને મારવાના ઉદેશથી નથી કરાઈ, સેના કે સરકાર મરનાર આતંકવાદીઓ ના આંકડા નથી આપતી તો સંખ્યા પર સવાલ કેમ? એવુ નીવેદન આપી ના કહેવાનું બધુ કહી દીધું. પરંતુ અમિત શાહે મારૂ નહી ને તમારુ નહીં એવો ગુજરાતી હીસાબ કરી અઢીસોનો આંકડો બોલી નાખ્યો.

ભારતના ૧૩૦ કરોડ દેશવાસીઓને ભારતીય સેના કે સેનાના જવાનો પર લેશમાત્ર શંકા નથી પણ જે મોદીજીની છાપ છે ને એમના ભૂતકાળનો જૂઠનો ઇતિહાસ છે એટલે એમની કાર્ય પદ્ધતિ સામે શંકા છે અને આ શંકા પણ સૌ પ્રથમ તાજેતરમાં જ પુલવામમાં શહીદ થયેલા એક જવાનીની માતા ક્રૂર રુદન સાથે કહી રહ્યા હતા કે સરકારના નેતાઓ દેશના જવાનોની અંતિમયાત્રામાં આવે છે ને મીડિયા બતાવે છે પરંતુ તમે જો સાચો જ બદલો લીધો હોય તો એક આતંકવાદીનો તો ” જનાજો ” બતાવો ત્યારે દેશ અચંબામાં પડી ગયો હતો ને શંકા કરવા લાગ્યો છે.

વધુમાં આક્ષેપો કરતા જયરાજસિંહે જણાવ્યુ હતુ કે, આફત સર્જી એને અવસરમાં ફેરવવા ના માસ્ટર માઇન્ડ મોદીજી આ વખતે થાપ ખાઈ ગયા. પોણા પાંચ વરસની નિષ્ફળતાઓ પર પડદો ઢાંકવા કરાયેલ આ સંદેહાત્મક ષડયંત્ર બુમરેંગ થશે. 2014ના અપાયેલા વચનો ને ભુલાવવા ગમે તેટલા જોરથી જુબાની શૌર્ય આચરે દેશના યુવાનો બે કરોડ રોજગારનો હીસાબ માંગશે જ. જનતાને ખબર હોત કે પંદર લાખની ઉઘરાણી ૪૪ જવાનોની શહીદી જેટલી મોંઘી પડશે તો ખાલી માલ્યા મોદી ને પરત લાવવા જ દબાણ કરત. ખેડુતોની પાયમાલી, મોંઘવારી, અસુરક્ષા, ઘસાતો રૂપીયો, વધતા ગેસ પેટ્રોલના ભાવ જેવી અનેક અસફળતાઓ પર કરાયેલી આ સ્ટ્રાઇક મોદી શાહની જોડીને વેર વિખેર કરી દેશે.

સર્જીકલ સ્ટ્રાઇક પર સવાલો ઉઠાવનાર દેશદ્રોહી છે એવું કહેનાર ભાજપના બદલે સર્જીકલ સ્ટ્રાઇકના હીરો શ્રીમાન ડી.એસ. હુડ્ડાજી એ કોંગ્રેસનો ખેસ ખભે નાખી કથીત રાષ્ટ્રવાદીઓની સર્જરી કરી નાખી. સમયની રાહ જુઓ એર સ્ટ્રાઇકના જાંબાજો પણ તેમના રાજકીય ઉપયોગનો જવાબ જરૂર આપશે. તેવું અંતે જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું.