લૂંટ@પાંથાવાડા: સરકારી નદીમાંથી બેફામ લાખોની રેતી ઉઠાવી રહ્યા, ભ્રષ્ટાચારીઓ એક બની ગયા
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
પાંથાવાડા નજીક આવેલ ઝાત ગામને અડીને પસાર થતી સીપુ નદીમાંથી ગેરકાયદેસર રેતીની લૂંટ મચી છે. અનેકવાર અહીંથી રેતીચોરી પકડાઇ, ફરિયાદો થઈ છતાં ખનીજ માફિયા બેકાબૂ છે ત્યારે અત્યાર સુધીની સૌથી મોટી ચોંકાવનારી વિગતો સામે આવી છે. ભ્રષ્ટાચારીઓ એક બની ગયા છે અને હપ્તાખોરી દ્વારા નાણાંના કોથળા ભરી રહ્યા છે. ઉપરથી રેઈડ પણ પડતી નથી એટલે સ્થાનિક મારવાડી ઈસમ દૈનિક હજારો મેટ્રિક ટન રેતી ચોરી લૂંટ કરી ગેરકાયદેસર ખનન અને ગેરકાયદેસર આવક ઉભી કરી રહ્યો છે. જાણો સનસનીખેજ અહેવાલ.
બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા નજીક ઝાત નામે આવેલ ગામ પાસે એક મોટો પુલ આવેલો છે. આ પુલની નીચે સરકારી સીપુ નદી પસાર થાય છે ત્યારે આ નદી પટમાં ખૂબ પ્રમાણમાં રેતી ખનીજ સંપત્તિ પડી છે. આ રેતી ખનીજની લૂંટ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હોવાથી સરકારનુ હિત ઈચ્છતા સૌ કોઈ ચિંતામાં છે. અહીંથી અગાઉ ઘણીવાર ગેરકાયદેસર રેતી ચોરી પકડાઇ પરંતુ પછી તરત માણસો બદલાઇ જાય છે. નવા માણસો જૂના ખનન માફિયા મારફતે ફરીથી રેતી ચોરી ચાલુ કરી દે છે ત્યારે હાલમાં પણ ચાલતું ખનન ઘણા ઘટસ્ફોટ કરે છે. મારવાડ પંથકનો કોઈ સોની ઈસમ ભ્રષ્ટાચારીઓને એક બનાવી ગેરકાયદેસર રીતે રેતીની લૂંટ ચલાવી રહ્યો છે. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, રોજના અનેક ડમ્પરો અહીંથી વહેલી સવારે અને મોડી સાંજે ખનન કરે છે. એક ડમ્પર લેખે ભ્રષ્ટાચારીઓના હપ્તાના ભાવ નક્કી કરી મોટી ભાગબટાઈ સેટ કરેલી છે. આ રકમ સોની નામે ઈસમ આસપાસના વિસ્તારોમાં ચોરીની રેતી વેચીને જે ગેરકાયદેસર આવક મેળવે તેમાંથી ચૂકવે છે. હજારોની રકમ દૈનિક હપ્તા પેટે ભરવા છતાં ખનીજ માફિયો ઈસમ કોથળા ભરાય તેવી બેનામી આવક મેળવી રહ્યો છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીને તમામ વિગતો જણાવી છતાં કહે છે, તમે માહિતી મોકલી આપો અમે જોવડાવી દઈએ. આથી હવે આગામી ન્યૂઝ રીપોર્ટમાં હપ્તાની રકમ, કોના મારફતે કોના સુધી હપ્તા જાય છે અને કોણ કોણ આ નેક્સસમાં છે તેનો ઘટસ્ફોટ કરીશું.