લૂંટારુઓ@સીંગવડ: મરણવાળા, સરકારી નોકરીયાત, વિદ્યાર્થીઓના નામે બોગસ પેમેન્ટ મેળવી મનરેગામાં લૂંટ મચાવી

 
સિંગવડ
મનરેગાની લેબર અને મટીરીયલ ગ્રાન્ટ ખેંચી લેવામાં ભ્રષ્ટાચારી ટોળકી સફળ રહી છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

સીંગવડ તાલુકામાં મનરેગાના કામોમાં મહાભયંકર ભ્રષ્ટાચારની શૃંખલામાં વધુ એક ચોંકાવનારો રીપોર્ટ જાણવા જેવો છે. વિદ્યાર્થીઓના નામે બોગસ રેકર્ડ ઉભું કરી મનરેગામાં મહાલૂંટ થઈ છે ત્યારે ટીડીઓ કે એપીઓને તપાસમાં રસ નથી. હવે અત્યાર સુધીનો સૌથી મોટો ઘટસ્ફોટ કરીએ છીએ ત્યારે ટીડીઓ સરકારના હિતમાં છે કે ભ્રષ્ટાચારોના રક્ષક તે ઉઘાડું પડશે. મછેલાઇ ગૃપ ગ્રામ પંચાયતના ગામમાં મરણ પામેલા લોકો તાત્કાલિક બીજો જન્મ લઈ મનરેગામાં લેબર કામ કરી ગયા હોવાનું સામે આવ્યું છે. મૃત્યુ પામ્યા છતાં હાજરી પુરાઇ, સાસરીમાંથી મજૂરી કરવા પિયર આવ્યા, એક જ વ્યક્તિના ડબલ જોબકાર્ડ અને પેમેન્ટ તેમજ ગામમાં ના હોય તેવા વ્યક્તિના નામે પણ બેફામ લેબર ખર્ચ પાડી પેમેન્ટ ઉઠાવી લેવાયું છે. ભ્રષ્ટાચારીઓએ વર્ષ 2022-23 અને 2023-24 દરમ્યાન મનરેગાને ફોલી ખાધું છે. જાણીએ સ્પેશ્યલ રિપોર્ટ.

 Singvad mgnrega scam

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં મનરેગાના નામે એસેટ ઉભી થઇ તેની સરખામણીમાં ડબલ ત્રિપલ સંખ્યામાં ભ્રષ્ટાચારીઓની એસેટ બની ગઈ છે. મછેલાઇ ગૃપ ગ્રામ પંચાયતના વણઝારીયા ગામમાં ગુજરાત રાજ્યનું સૌથી મોટું કૌભાંડ જાણવા ઉપર પીએચડી થઈ શકે તેટલી માહિતી છે. વર્ષો પહેલાં મૃત્યુ પામેલા અનેક લોકો મનરેગામાં લેબર કામ કરી પેમેન્ટ લઈ ગયા છે, જે લોકો ગામમાં ક્યારેય નથી તેવા લોકો પણ ગામમાં મનરેગાનું કામ કરી ગયા છે. એક જ વ્યક્તિના અનેક જોબકાર્ડ બનાવી પેમેન્ટ ઉઠાવી લેવામાં આવ્યું છે. આંગણવાડીમાં, જીઈબી વિભાગમાં અને તે સિવાય અન્ય કોઈ જગ્યાએ નોકરી કરતાં લોકોના નામે લેબર ખર્ચ પાડી બોગસ રેકર્ડ આધારે સરકારી ગ્રાન્ટ ઉઠાવી લીધી છે. નાણાંકીય વર્ષ 2020-21થી સતત 3 વર્ષ બોગસ કાગળો ઉભા કરી મનરેગાની વેબસાઈટમાં ખોટી વિગતો ભરી મનરેગાની લેબર અને મટીરીયલ ગ્રાન્ટ ખેંચી લેવામાં ભ્રષ્ટાચારી ટોળકી સફળ રહી છે. વાંચો નીચે મહા ભ્રષ્ટાચારના કેટલાક કિસ્સા


1. મંદ બુદ્ધિ વાળો પ્રાથમિક શાળામાં ભણતા સ્ટુડન્ટનો જોબકાર્ડ બનાવવામાં આવ્યું
2. ડીજીવીસીએલ અને એમજીવીસીએલમાં ઈલેક્ટ્રીક એન્જિનિયર તરીકે વર્ષ 2014થી નોકરી કરતાં કર્મચારીના નામે લેબર પેમેન્ટ ઉઠાવી લેવાયું છે.
3. એવા અનેક લોકો જિંદગીથી ઘરે જ નથી ગયા અને બીજા ગામમાં ગાયોના ગોવાળ તરીકે બહારગામ છે તેવાને મનરેગાના મજૂર બતાવ્યા છે.
4. ખોટું જોબકાર્ડ બનાવવાના કૌભાંડીઓએ વણઝારીયા ગામમાં પટેલીયા જ ના હોવા છતાં ભ્રષ્ટાચારમા પણ બુદ્ધીનુ દેવાળું ફુંકી તેવા વ્યક્તિના જોબકાર્ડ અને ખર્ચ પાડ્યો છે.
5. અનેક વિકલાંગોના નામે રોજગારી ડિમાન્ડ બતાવી તેમની જાણ બહાર રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે.
6. એવા અનેક લોકો છે જેઓનુ મરણ થયાને 5થી 10 વર્ષ થયાં છતાં વર્ષ 2021-22 માં ડિમાન્ડ બતાવી છે.
7. કેટલીક મહિલાના લગ્ન થયાને દસ દસ વર્ષ થયા હોવા છતાં રોજગારી ડિમાન્ડ કરાઇ અને પેમેન્ટ ચૂકવાયુ છે.
8. એક વ્યક્તિ રેલવેમાં નોકરી કરી રિટાયર્ડ થઈ ગયા અને તે માણસ નોકરી કરતાં દરમ્યાન 2022 સુધી લેબરની ડિમાન્ડ કરવામાં આવી. અગાઉ રેલ્વેમાં નોકરી કરતાં ત્યારે અને મરણ બાદ પણ ડિમાન્ડ બતાવી હતી.
9.  ગામનાં એક આંગણવાડી કાર્યકર છે છતાં તારીખ 2/9/2023 થી 28/8/2024 સુધી રોજગારી તેમની રોજગારી ડિમાન્ડ બતાવી હતી.
10. ગામનાં એક એમએમનુ મરણ થયું તા. 30/9/2011 તેમ છતાં મનરેગામાં 25/5/2020 થી 10/7/2022 સુધી રોજગારી ડિમાન્ડ કરવામાં આવી.

 

સૂત્રોએ જણાવ્યું હતું કે, સીંગવડ તાલુકાના એક માત્ર વણઝારીયા ગામમાં જ નહિ પરંતુ ગામેગામ મનરેગાના નામે બોગસ રેકર્ડ ઉભું કરી, બોગસ વિગતો ભરી, જિલ્લા પંચાયત, ગ્રામ વિકાસ કમિશ્નર અને કેન્દ્ર સરકારના મનરેગા યુનિટને ગેરમાર્ગે દોરી પૂર્વ આયોજિત ષડયંત્રના ભાગરૂપે કરોડોની લેબર અને મટીરીયલ ગ્રાન્ટ ખેંચી લેવામાં આવી હતી. આ લૂંટ સમાન કૌભાંડમાં તત્કાલીન ટીડીઓ, એપીઓ, ટેકનિકલ, જીઆરએસ, મનરેગાનો મટીરીયલ સપ્લાયર, એજન્ટ અને બોગસ લેબર બતાવતો વચેટિયા સહિતના ભ્રષ્ટાચારીઓ સામેલ છે. મનરેગામાં આ લોકોએ રીતસર સરકાર સાથે વિશ્વાસઘાત કરી પૂર્વ આયોજિત ષડયંત્ર રચી સરકારી નાણાંની લુંટ મચાવી હતી. આથી જો હાલના ટીડીઓ અને ડીડીઓ થોડું પણ રાજ્ય કેન્દ્ર સરકારનું હિત ઈચ્છતા હોય તો તાત્કાલિક તપાસ કરી કૌભાંડીઓ વિરુદ્ધ ગુનો નોંધાવી જેલ ભેગા કરી બતાવે. આ બાબતે આગામી ન્યૂઝ રીપોર્ટમાં જવાબદારોની જવાબદારીનો મહા રિપોર્ટ કરીશું.