લૂંટ@સુરેન્દ્રનગર: લીંબડી-અમદાવાદ હાઇવે પર મોડી રાતે ચોરી, ચાંદીની પાટો સહિત દાગીના લઈ આરોપી ફરાર
6 મહિના પહેલા સાયલા હાઇવે પર આંગડિયાની ગાડીને રોકીને લૂંટ કરવામાં આવી હતી.
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વાર લૂંટારૂઓ બેફામ બન્યા છે. જ્યાં, તેઓએ લીંબડી-અમદાવાદ હાઇવે પર કાનપુર પાસે આંગડીયાની ગાડીને રોકીને લૂંટ ચલાવી હતી. મળતી માહિતી મુજબ મોડી રાતે અમદાવાદના નારોલથી નીકળેલી એચ.કે. આંગડિયાની વાન જ્યારે હાઇવે પરથી પસાર થઈ રહી હતી. ત્યારે, કાનપુર પાટીયા પાસે અન્ય 2 કારમાં આવેલા 7 જેટલા શખ્સોએ આંગડિયાની વાનને રોકી હતી.લૂંટારૂઓ વાનમાંથી ચાંદીની 70 પાટો, જ્વેલરી અને ઇમીટેશન સહિતના મુદ્દામાલ લૂટીને ફરાર થઇ ગયા.
ઘટના અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તમામ પોઇન્ટ પર નાકાબંધી કરાઇ છે. હાલ પોલીસે તમામ CCTV તપાસીને આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે, વાનમાંથી કેટલો મુદ્દામાલ ચોરી થયો છે તે તપાસ બાદ જ સામે આવશે. ઉલ્લેખનીય છે કે 6 મહિના પહેલા સાયલા હાઇવે પર આંગડિયાની ગાડીને રોકીને લૂંટ કરવામાં આવી હતી. ત્યારે હવે ફરી લૂંટારૂઓએ પોલીસને પડકાર ફેંક્યો છે.