મહાબ્રેક@સીંગવડ: મનરેગાના કરારીએ પેઢી બનાવી કર્યો બોગસ વેપાર? કોણ છે સત્યમનો માંગીલાલ

 
Singvad
માંગીલાલ કરારી છે તે હકીકત તો પછી આ સત્યમ ટ્રેડર્સનો સંચાલક માંગીલાલ કોણ તેનો ઘટસ્ફોટ જીએસટી કરે તો બહાર આવે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


સીંગવડ તાલુકામાં મનરેગાના મહા ભયંકર અને મહા ભ્રષ્ટાચારી અહેવાલ છતાં ટીડીઓ અને એપીઓ બેફિકર છે. પુરાવા સાથેની ફરિયાદો, ઈરાદાપૂર્વક રેશિયો ભંગ છતાં એપીઓ કલ્પનાબેન સરકારના હિતમાં ટીડીઓ મારફતે જિલ્લામાંથી તપાસ બોલાવતાં નથી. હવે સીંગવડ તાલુકામાં મનરેગા ભ્રષ્ટાચારની શૃંખલામાં અગાઉ એક પેઢી વિશે હાઇલાઈટ્સ આપી હતી. જેના વિશે ચોંકાવનારી વિગતો કર્મચારી આલમમાં અને બજારમાંથી જાણવા મળી છે કે, પેઢીનો માલિક મનરેગાનો કરારી કર્મચારી છે. સ્પેશ્યલ મનરેગાના વેપાર માટે ઉભી કરેલી સત્યમ ટ્રેડર્સનો માલિક માંગીલાલ કરારી છે કે વેપારી ? નિયામકે અને ડીડીઓએ સરકારના હિતમાં તપાસ કરવી હોય તો આ રીપોર્ટ તમારા માટે.

 

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં મનરેગાના અનેક કામોમાં મહાભયંકર ભ્રષ્ટાચાર મામલે એક મોટી બૂમરાણ ધ્યાને આવી છે. નાણાંકીય વર્ષ 2022-23 અને 2023-24 દરમ્યાનના મટીરીયલના કેટલાંક બીલો જોતાં તેના પાછળના માથાંની ચોંકાવનારી અને અત્યંત શંકાસ્પદ વિગતો મળી છે. સીંગવડ તાલુકામાં સત્યમ ટ્રેડર્સના નામે અઢળક અને લાખોની રકમના બીલો મૂકાયા છે અને ચૂકવણું પણ થયું છે.‌ હવે આ સત્યમ્ ટ્રેડર્સનો પ્રોપ્રાઈટર માંગીલાલ લુણાભાઇ છે અને આ સમય દરમ્યાનથી એક કરારી કર્મચારી માંગીલાલ લુણાભાઇ પણ છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સત્યમ ટ્રેડર્સનો સંચાલક ખુદ કરારી માંગીલાલ છે તો શું કરારી જાતે જ મનરેગામાં વેપાર કરી શકે? વાંચો નીચેના ફકરામાં.


આ બાબતે અમોએ વારંવાર અનેક મોબાઈલ નંબર ઉપર માંગીલાલનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ સંપર્ક કરવા દીધો નથી. આ બાબતે અમોએ સીંગવડ, લીમખેડા અને દાહોદ તાલુકામાં કરારી માંગીલાલનો સંપર્ક કરવા ત્રણ ત્રણ મોબાઈલ નંબર મેળવ્યા પરંતુ કોઈ જ સંપર્ક થવા દેવાયો નથી. માંગીલાલ લુણાભાઈ નામે દાહોદ જિલ્લા મનરેગામાં કરારી હોવાની હકીકત છે તો સવાલ થાય છે કે, સીંગવડ તાલુકામાં મનરેગા હેઠળ કરેલો વેપાર કયા માંગીલાલ વેપારીનો છે ? આ બાબતે હવે જીએસટી નંબર ધરાવતી સત્યમ્ ટ્રેડર્સના પ્રોપ્રાઈટરની પેઢીના સ્થળે દાહોદ જીએસટી એકમને ખરાઇ કરવા રજૂઆત થાય તો મોટો ઘટસ્ફોટ થાય તેમ છે.