મહાકાંડ@સીંગવડ: આ ગામોમાં ઢગલાબંધ કામો કાગળ ઉપર, બોગસ બીલો મૂકી સરકારના કરોડો લૂંટ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સીંગવડ તાલુકામાં મનરેગાના કામોમાં મહા ભયંકર, મહા ખતરનાક અને મહામારી જેવો ભ્રષ્ટાચાર આજે ઉઘાડો પડ્યો છે. અનેક ગામોમાં નજીવા લેબર ખર્ચ સામે કરોડોના મટીરીયલ ખર્ચાઈ ગયા છે. ઢગલાબંધ કામો માત્ર કાગળ ઉપર બતાવી સરકારના કરોડો રૂપિયા મનરેગાના નામે રીતસર લૂંટી લીધા કહો તો પણ ચાલે. પાડવા પૂરતો લેબર ખર્ચો બતાવી વેપારીના બોગસ બીલો મૂકી/મૂકાવી ઓનલાઇન અપલોડ કરી સિસ્ટમનો દૂરૂપયોગ કરી કરોડોની ગ્રાન્ટ ખેંચી લીધી છે. આજે આપણે સીંગવડ તાલુકાના ગામોમાં પાછલા 4 વર્ષમાં ક્યાં કેટલો લેબર અને મટીરીયલ ખર્ચો રજૂ કરીએ છીએ એટલે તમે વાંચીને ગળે નહિ ઉતારી શકો કે, આટલા હદે પણ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. વાંચો સમગ્ર અહેવાલ.
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના અનેક ગામોમાં ગરીબ, અશિક્ષિત અને રોજગારી માટે ઝઝૂમતા અનેક લોકો રહે છે. અહીં બધા પરિવાર લાખોપતિ, કરોડપતિ નથી એટલે અન્ય જિલ્લામાં સ્થળાંતર પણ થતું રહે છે. હવે આ બધી સમસ્યા માટે કેન્દ્ર સરકારની મનરેગા યોજના કમ કાયદા હેઠળ રોજગારી આપી ગરીબો, બેરોજગારોનુ ઉત્થાન કરવાનું હોય પરંતુ સીંગવડ તાલુકાના મનરેગા વાળા યોજનાનો ભયંકર દૂરૂપયોગ કરી રહ્યા છે. રોજગારીના નામે કરોડોનો વેપાર એ પણ બોગસ વેપાર કરી/કરાવી ખોટું રેકર્ડ ઉભું કરી સરકારમાંથી રીતસર ગ્રાન્ટની લૂંટ કરી રહ્યા છે. બોગસ રેકર્ડ આધારે આજકાલથી નહિ પરંતુ છેલ્લા 4 વર્ષથી ગ્રાન્ટ ખેંચવાના આ ભ્રષ્ટાચારમાં જીઆરએસથી માંડી ટેકનિકલ, એપીઓ અને તત્કાલીન ટીડીઓ સુધીના કાયદાની જોગવાઇ મુજબ સામેલ છે. નીચેના ફકરામાં વાંચો કયા ગામમાં ભ્રષ્ટાચાર કરવામાં કોઈ જ બાકી રાખ્યું નથી ભ્રષ્ટ ટોળકીએ.
અગારા, ચૂડી, ડુંગરપુર, લિંબોદર, ભૂતખેડી, મંડેર, સીંગવડ, મોટા આંબલિયા, પીપલિયા અને વાલાગોતા સહિતના ગામોમાં તમે લેબર ખર્ચ જુઓ અને સામે મટીરીયલ ખર્ચ જુઓ એટલે ખબર પડશે કે, ભ્રષ્ટાચાર આચરી રુપિયા લૂંટવા કોઈ કસર છોડી નથી. જે ગામોમાં 2થી 3 કરોડનું બિલ્ડિંગ મટીરીયલ જે વેપારીએ આપ્યું તેના વિરુદ્ધ પણ ધોરણસરની તપાસ જરૂરી છે. ઉપરોક્ત ગામમાં અને ફોટામાં દર્શાવેલ ગામોમાં લેબર ખર્ચમાં પણ ગોટાળો છે, કેમ કે કોઈપણ વર્ક કોડમાં સંપૂર્ણ બોગસ બીલો એટલે કે 100 ટકા મટીરીયલ ખર્ચ શક્ય ના હોવાથી બતાવવા પૂરતું લેબર ખર્ચ પાડવામાં આવ્યું છે. જો સરકાર તાત્કાલિક અસરથી સંપૂર્ણ તટસ્થ તપાસ કરે તો, સીંગવડ તાલુકામાંથી સરકારને કરોડોની રિકવરી મળે તેમ છે. આથી આવતીકાલે મંગળવારે આ મહા ભયંકર ભ્રષ્ટાચારના સૂત્રધારો અને સરકારમાં રહી સરકારના રૂપિયા લૂંટનારા ઈસમોની જવાબદારી સહિતનો સ્પેશ્યલ રિપોર્ટ કરીશું.