મંથન@મહેસાણા: કોંગ્રેસની ઉત્તર ઝોનની બેઠકમાં શક્તિસિંહનો સૌથી મોટો આક્ષેપ, ભાજપ આફત આવે તેવા કામો કરે
અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા
કોંગ્રેસની ઉત્તર ગુજરાત ઝોનની આજે બપોરે ઉંઝા હાઇવે પરની હોટેલમાં જે બેઠક મળી તેમાં પ્રદેશ પ્રમુખે ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. ભાજપ આફત આવે તેવા કામો કરે અને પછી તેમાં રાજકીય અવસર મેળવે છે. વરસાદી પુર બાબતે પણ શક્તિસિંહે કહ્યું કે, પૂર્વ આયોજિત વ્યવસ્થા કરાઇ નહોતી અને ગેરકાયદેસર બાંધકામો ખુદ ભાજપાના મળતિયા કરાવે છે ત્યારે પુરને પહોંચી શકતાં નથી. પ્રદેશ પ્રમુખે તમામ કોંગ્રેસી નેતાઓને, ભાજપાની રાજકીય ચાલ સમજાવી અને કેવીરીતે ભાજપા વિરુદ્ધ પુર બાબતે લોકોનો રોષ છે તે જણાવ્યું હતુ. જાણીએ સમગ્ર અહેવાલ.
મહેસાણાથી ઊંઝા હાઇવે તરફ જતાં એક બહુ સિતારા ખાનગી હોટેલમાં આજે કોંગ્રેસ પાર્ટીની ઉત્તર ઝોનની બેઠક મળી છે. બેઠકમાં ઉત્તર ગુજરાતના તમામ કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના આ મંથનમાં ખાસ કરીને જિલ્લાઓના પ્રતિનિધિઓ પાસેથી સુચનો લેવામાં આવ્યા અને સામે પ્રદેશ પ્રમુખે માર્ગદર્શન પણ આપ્યું હતુ. આ દરમ્યાન ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપા વિરુદ્ધ અનેક ગંભીર સવાલો ઉભા કરી ચોંકાવનારા આક્ષેપ પણ કર્યા હતા.
બેઠક દરમ્યાન શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં અતિવૃષ્ટિથી લોકો પરેશાન છે ત્યારે સરકારની જવાબદારી બને કે લોકો આફતમાં ના આવે. ભારતીય જનતા પાર્ટી આફત પેદા થાય એવા કામો કરે છે અને પછી આફતમાંથી રાજકીય અવસર પેદા કરે છે. વરસાદમાં થયેલ નુકસાનમાં ઉદાર હાથે લોકોને સહાય આપવી જોઈએ. ખેતરમાં થયેલા નુકસાનમાં સરકાર સર્વેના નામે નાટકો કરે છે. અમારી સરકાર હતી એ સમયે 1982 માં વાવાઝોડું આવ્યું ત્યારે ખેડૂતને જેટલું નુકસાન થયું હતું એટલી ભરપાઈ કરી હતી. અમારી સરકારમાં ક્યારેય નવરાત્રિ કે ગણપતિ ઉત્સવમાં કાંકરીચાળો જોયો નહોતો. આજે ભાજપના નેતા પાસે ચકલું પણ ન ફરકી શકે અને ભગવાન ઉપર પથ્થર પડે છે.