લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતોને 2હજાર આપવા પંચાયત આલમની દોડધામ

અટલ સમાચાર, ગિરીશ જોશી
કેન્દ્ર સરકારે કિસાન નિધિ યોજના જાહેર કર્યાના ગણતરીના દિવસોમાં અમલવારી શરૂ કરી છે. વાર્ષિક 6 હજાર રૂપિયા ખેડૂત કુટુંબોએ આપવાના હોવાથી પ્રથમ હપ્તામાં 2 હજાર ફાળવાશે. આ માટે ઉત્તર ગુજરાતના પંચાયત આલમ દ્વારા વધુને વધુ એન્ટ્રી કરાવવા દોડધામ શરૂ થઈ છે.
કિસાનોના નામે લોકસભા ચૂંટણીમાં ખેડુત મતો અંકે કરવા મથામણ ચાલી રહી છે. કેન્દ્રની ભાજપ સરકારે તાજેતરમાં કિસાન નિધિ યોજના જાહેર કરી દરેક ખેડૂતને વર્ષે ૬ હજાર આપવા નક્કી કર્યું છે. જેના ભાગરૂપે તાત્કાલિક 2000નો પ્રથમ હપ્તો આપી દેવા દોડધામ ચાલી રહી છે.
ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની કુલ ૪૬ તાલુકા પંચાયત દ્વારા દરેક ખેડૂત કુટુંબનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. 2000 રૂપિયા સીધા બેન્ક એકાઉન્ટમાં ફાળવવા ખેડૂત પાસેથી જમીન, આધારકાર્ડ અને બેંક એકાઉંન્ટની વિગતો મેળવી ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવાનું પૂરજોશમાં શરૂ થયું છે.
ઉત્તર ગુજરાતમાં ચોમાસું નિષ્ફળ જવાથી ખેડૂતોની હાલત કફોડી જ્યારે પશુપાલકોને પણ મોંઘા ખાણ સામે દૂધના ભાવ ઓછા મળતા નારાજ છે. છેલ્લા કેટલાક દિવસોથી પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોનું બજેટ ખોરવાઇ ગયું છે. જેથી કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર લોકસભા ચૂંટણી પહેલાં 2 હજાર રોકડા આપી ખેડૂતોનું બજેટ જાળવવા પ્રયત્ન કરી રહી છે.