દવા@પાટણઃ મચ્છરો સામે આરોગ્ય વિભાગનું અભિયાન, તળાવોમાં ગપ્પી માછલી છોડાઇ

અટલ સમાચાર, પાટણ ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગો ન ફેલાય તે માટે પાટણ જિલ્લા આરોગ્ય તંત્ર સાબદું બન્યું છે. મચ્છરોના ઉત્પત્તિસ્થાન સમા પાણીના સ્ત્રોતોમાં મચ્છરના ઈંડા અને પોરાનો નાશ થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા પોરાભક્ષક માછલીઓ તથા દવાના છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. પાટણ જિલ્લામાં વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત મેલેરીયા સહિતના મચ્છરજન્ય
 
દવા@પાટણઃ મચ્છરો સામે આરોગ્ય વિભાગનું અભિયાન, તળાવોમાં ગપ્પી માછલી છોડાઇ

અટલ સમાચાર, પાટણ

ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગો ન ફેલાય તે માટે પાટણ જિલ્લા આરોગ્ય તંત્ર સાબદું બન્યું છે. મચ્છરોના ઉત્પત્તિસ્થાન સમા પાણીના સ્ત્રોતોમાં મચ્છરના ઈંડા અને પોરાનો નાશ થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા પોરાભક્ષક માછલીઓ તથા દવાના છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

પાટણ જિલ્લામાં વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત મેલેરીયા સહિતના મચ્છરજન્ય રોગોનો ફેલાવો અટકાવવા ઘનિષ્ટ જૈવિક નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી છે. જૈવિક નિયંત્રણમાં પોરાભક્ષક માછલી તરીકે ઓળખાતી ગપ્પી ફીશ તળાવમાં મુકવામાં આવે છે. જયારે મચ્છર ઇંડા મૂકે અને તેમાંથી જે પોરા બને એ પોરામાંથી મચ્છર ઉત્પન્ન થાય છે. મચ્છરના ઈંડામાંથી પોરા બને ત્યારે આ ગપ્પી ફીશ પોરાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એક માછલી 150 થી 2૦૦ પોરા ખાઇ તેનો નાશ કરે છે. જેથી મચ્છરોની ઉત્પતિ અટકાવી શકાય છે.

આ વર્ષે ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં 03 લાખ જેટલી ગપ્પી માછલીઓ ચાણસ્મા અને પાટણ તાલુકાના જુદા જુદા તળાવોમાં મુકવામાં આવી છે. તથા અન્ય જળાશયોમાં પણ ગપ્પી ફીશ મુકવાની કામગીરી ચાલુ છે. આ ઉપરાંત મચ્છરોની ઉત્પત્તિને રોકવા માટે જિલ્લાના તમામ ગામો તથા શહેરી વિસ્તારોના ખાડા, ખાબોચિયામાં મોસ્કીટો લાર્વી સાઇડ ઓઇલનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે ઘરના અંદરના પાત્રો ગઢી, ટાંકા, માટલા, પરબીયામાં ઍબેટ નામની દવાના ઉપયોગથી અથવા પાત્ર ખાલી કરાવીને પોરાનો નાશ કરવામાં આવી રહ્યો છે. જેથી મચ્છરોની ઘનતામાં ઘટાડો લાવી શકાય અને વાહકજન્ય રોગોને વધુ વિસ્તરતા અટકાવી શકાય.

મચ્છરજન્ય રોગોના નિદાન અને તેને ફેલાતો અટકાવવા જિલ્લાના તમામ ગામોમાં પૅરા મૅડીકલ સ્ટાફ દ્વારા તાવના કેસના લોહીના નમુના મેળવવામાં આવી રહ્યા છે. જેમાં છેલ્લા 15 દિવસમાં 20,૦49 જેટલા લોહીના નમુના એકત્ર કરવામાં આવ્યા છે. જે પૈકી મેલેરીયાના 11 જેટલા કેસ નોંધાયા છે, જેને રેડીકલ સારવાર પુરી પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત મચ્છરજન્ય રોગોનો ફેલાવો અટકાવવા અને જાગૃતિ કેળવવા લોકોને ઘરે જઇને આરોગ્યલક્ષી શિક્ષણ પુરૂ પાડવામાં આવી રહ્યું છે.