અટલ સમાચાર,પાટણ
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ૧ર ફેબ્રુઆરીએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના કુલપતિ બી.એ.પ્રજાપતિ કેસીજી, અમદાવાદના સીઇઓ કે.બી.ઉપાધ્યાય ઉપસ્થિત રહયા હતા.
આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા યુવાનોને રોજગારીની તકો વધારે પ્રમાણમાં ઉપલબ્ધ બને તે માટે મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. મેગા પ્લેસમેન્ટ કેમ્પથી યુવાધનને નોકરીની તકો મળશે. જેનાથી યુવાધનમાં નવી ઉર્જાનો સંચાર થશે. આ મેગા પ્લેસમેન્ટ કેમ્પમાં પાટણ જિલ્લાની ૧૪ સરકારી અને અનુદાનિત કોલેજોના ૧,૧૪૬ જેટલા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયેલ છે. ૫૯ કંપનીઓની કુલ ૨૦૦ જેટલી જગ્યાઓ માટે રજીસ્ટર્ડ કરવામાં આવેલ છે.
આ પ્રસંગે કેસીજી-અમદાવાદના સીઇઓ કે.બી.ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, રાજય સરકારે યુવા વર્ગની રોજગારી માટે એક અનેરો પ્રયાસ હાથ ધર્યો છે. કોલેજોમાં વિદ્યાર્થીઓને ફીનીસીંગ સ્કુલના માધ્યમથી કેવી રીતે ઇન્ટરવ્યુ આપવા અને કેવી રીતે પોતાની સીવી તૈયાર કરવી તેની તાલીમ આપવામાં આવે છે.
આ પ્રસંગે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના કુલપતિ બી.એ.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, યુવાધન દેશની સંપત્તિ છે. યુવાનોની રોજગારી માટે રાજય સરકાર સતત ચિંતિત છે. મેગા પ્લેસમેન્ટ કેમ્પથી યુવાનોને રોજગારી મેળવવામાં સરળતા રહેશે.
મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે યુવાનોને એપોઇમેન્ટ ઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતા. માર્ગદર્શક પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ટેકનીકલ એજયુકેશનના જોઇન્ટ ડાયરેકટર મોદી, યુનિવર્સિટીના રજીસ્ટાર ર્ડા. ડી.એમ.પટેલ, કંપનીઓના પ્રતિનિધિઓ, અધ્યાપકો, યુવાનો-યુવતીઓ ઉપસ્થિત રહયા હતા. સરકારી કોલેજ, હારીજના આચાર્ય ર્ડા. કે.એમ.જોષીએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને આભારવિધિ સરકારી ઇજનેરી કોલેજ, કતપુરના આચાર્ય જી.એ.પટેલે કરી હતી.