આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ગીરીશ જોષી 

મહેસાણા નગરપાલિકામાં છેલ્લા કેટલાક દિવસોથી કોંગી સદસ્ય વચ્ચે ગૃપ બની ગયાનું સામે આવ્યું છે. જેનાથી ધડાધડ રાજીનામાં પડી રહ્યા છે. નવા પ્રમુખ આવ્યા ત્યારથી ટેન્ડર સહિતના કામોને લઇ સંગઠનના હોદ્દેદારોનો પાવર વધી ગયાનું ચર્ચાઈ રહ્યું છે. વિવિધ કામો લાગતાવળગતાને અપાવી નાણા બનાવવાનું ચાલુ હોવાનું બહાર આવ્યું છે.

મહેસાણા નગરપાલિકામાં પ્રમુખની વરણી અને કમિટીઓની રચના બાદ નારાજગી ચરમસીમાએ પહોંચી છે. મહેસાણા-૨ માં સમાવિષ્ટ નગરસેવકોને મોટાભાગના હોદ્દા આપવામાં આવ્યા હોઈ મહેસાણા-૧ના નગરસેવકો લાલઘૂમ છે. જે નગરસેવકોને હોદ્દા મળ્યા છે તેઓ પ્રદેશ મહામંત્રી કીર્તિસિંહ ઝાલા અને શહેર કોંગ્રેસ પ્રમુખ ભૌતિક ભટ્ટના સંપર્કમાં રહી વહીવટ પાર પાડી રહ્યાના આક્ષેપ થયા છે. નારાજ સદસ્યોએ છેક દિલ્હી દરબાર જઇ ટેન્ડરના કામો નીચા ભાવ છતાં લાગતાવળગતાને અપાતા હોવાનું કહી આવ્યા છે. આ સાથે તમામ નાણાંકીય બાબતોમાં રોકડ ઊભી કરવાનું કામ પુરજોશમાં ચાલુ હોવાની રજૂઆત થઈ છે. જેની જાણ મહેસાણા કોંગ્રેસના હોદેદારોને થઈ જતાં દોડધામ શરૂ થઈ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે મહેસાણા નગરપાલિકા પાછલે બારણેથી કોંગ્રેસ સંગઠનના બે ચહેરા ચલાવી રહ્યા હોઇ ચૂંટાયેલા ૫૦ ટકાથી વધુ નગરસેવકો છેલ્લા કેટલાક દિવસોથી ગૂંગળામણ અનુભવી રહ્યા છે.

મહેસાણા નગરપાલિકામાં હોદ્દા આપવા-લેવા 80 લાખ થી વધુની સોદાબાજી

જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું કે પાલિકામાં છેલ્લા કેટલાક મહિનાઓથી હમણાં સુધી વિવિધ હોદ્દા પર ચૂંટાયેલા નગરસેવકોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં હોદ્દા આપવા-લેવા માટે 80 લાખથી વધુની સોદાબાજી થઈ ગઈ છે. સમગ્ર મામલો છેક પ્રદેશ સુધી પહોંચી ગયો હોવાથી મહેસાણાના રાજકારણમાં ભર શિયાળે ગરમાવો આવી ગયો છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code