મહેસાણા: ક્રિસ્ટલ મોલમાંથી ક્રિકેટનો સટ્ટો રમાડતા 2 ઇસમો ઝડપાયા

અટલ સમાચાર,મહેસાણા
મહેસાણા જીલ્લામાં હમણાંથી ક્રિકેટ સટ્ટાનો જુગાર બેફામ ચાલી રહયો છે. જેમાં કેટલાંક અસામાજીક તત્વો જાહેરમાં કે ખાનગી રીતે ક્રિકેટનો સટ્ટો રમાડી રહયા છે. ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા મહેસાણા પોલીસ અધિક્ષકે સુચના આપતા મહેસાણા ટાઉનમાં પેરોલ ફલો સ્કોર્ડના PSI કે.ડી.બારોટ તથા ASI કિરીટ, હેડ.કોન્સ. શલેશભાઈ, હરેન્દ્રસિંહ, ભાનુભાઈ, ભરતભાઇ, મલયભાઈ, ડાઈવર જયન્દ્રસિંહ વિગેરે માણસો સાથે નીકળેલા હતા. આ દરમ્યાન પો.કોન્સ મલયભાઈને ખાનગી રાહે હકીકત મળેલ કે મહેસાણા ટાઉનના ક્રિસ્ટલ મોલના બીજા માળે દુકાન નં.205માં પટેલ અલ્પેશભાઈ પરષોત્તમભાઈ,ઈશ્વરભાઈ તથા પટેલ દર્શન જગદીશભાઈ પહેલાદભાઈ(બંને. રહે. મહેસાણા જુના પરા,ચોથીઓળ) પોતાના અંગત આર્થિક ફાયદા સારૂં પોતાના મોબાઈલોમાં BUZZI નામના નેટ કનેક્ટ સોફ્ટવેર અને મોબાઈલ દ્વારા ક્રિકેટ સટ્ટા બેટીંગનો હાર-જીતનો જુગાર રમતા રમાડતા હોય છે. આ બાતમીને આધારે પોલીસે ક્રિસ્ટલ મોલમાં જઇ દુકાનની તપાસ કરતા જુગારના સાધન સાહીત્ય જેવા કે મોબાઈલ નંગ 4 તથા TV, રોકડ રૂપિયા 10,800 મળી કુલ રૂપિયા 62,800ની મતા સાથે બંને ઇસમોની ધરપકડ કરી છે. મહેસાણા પોલીસે આ ઇસમોની વિરુધ્ધ મહેસાણા એ ડીવી.પો.સ્ટે જુગાર ધારા કલમ 4,5 મુજબનો ગુન્હો રજી કરી વધુ તપાસ હાથ ધરી છે.