બ્રેકિંગ@દેશ: રાહુલ ગાંધી સામે હવે સાવરકરના પૌત્રએ કર્યો માનહાનિનો કેસ, જાણો શું છે સમગ્ર મામલો ?

 
Rahul Gandhi

અટલ સમાચાર, ડેસ્ક

રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં સજા અને સંસદનું સભ્યપદ ગુમાવ્યા બાદ વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ સાવરકર પર આપવામાં આવેલા નિવેદનો તેમની સામે મુસીબત સમાન છે. વિનાયક દામોદર સાવરકરના ભાઈના પૌત્રે બુધવારે પુણે સેશન્સ કોર્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો છે. જેમાં સાત્યકી સાવરકરે રાહુલ ગાંધી પર લંડનમાં વીર સાવરકર પર ખોટું નિવેદન આપવાનો આરોપ લગાવ્યો છે.

આ કેસમાં ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 499 અને 500 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ પહેલા ગુજરાતની સુરત કોર્ટે રાહુલ ગાંધીને મોદી સરનેમને લઈને માનહાનિના કેસમાં બે વર્ષની સજા સંભળાવી હતી, ત્યારબાદ તેમનું લોકસભાનું સભ્યપદ પણ રદ કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.

સાવરકરના પૌત્ર સાત્યકીએ જણાવ્યું કે, તાજેતરમાં જ રાહુલ ગાંધી લંડન ગયા હતા, જ્યાં તેમણે NRI સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન રાહુલે દાવો કર્યો હતો કે, સાવરકરે એક પુસ્તક લખ્યું હતું જેમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે, તેણે અને તેના મિત્રોએ એક મુસ્લિમ વ્યક્તિને માર માર્યો હતો, જેનાથી તેને આનંદ થયો હતો. 

સાત્યકીના જણાવ્યા અનુસાર, આ ઘટનાનો ઉલ્લેખ કર્યા પછી રાહુલ ગાંધીએ પૂછ્યું કે શું આ કાયરતાનું કૃત્ય નથી. રાહુલ ગાંધીના તમામ દાવાઓને ફગાવી દેતા સાત્યકીએ કહ્યું કે તેમણે જે ઘટનાનો ઉલ્લેખ કર્યો છે તે તેમની કલ્પના છે, કારણ કે સાવરકરના જીવનમાં આવી કોઈ ઘટના બની નથી. સાવરકરના પૌત્રે કહ્યું કે તેઓ લોકશાહીમાં માનતા હતા. તેમણે મુસ્લિમોને તેમનું વલણ બદલવાની સલાહ આપી હતી.

આ સાથે તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ તેમના ખોટા નિવેદનથી સાવરકરનું અપમાન કર્યું છે અને તેમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. સાત્યકીએ કહ્યું કે અમે આઈપીસીની કલમ 499 અને 500 હેઠળ ગુનાહિત માનહાનિ માટે રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. આ સાથે રાહુલ ગાંધીના નિવેદનોનો વીડિયો પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.