કાર્યવાહી@દેશ: કાશ્મીરમાં 10 આતંકીની ધરપકડ, હથિયારોનો મોટો જથ્થો પણ જપ્ત

 
Jammu Kashmir

અટલ સમાચાર, ડેસ્ક

જમ્મુ કાશ્મીરનાં બારામુલ્લામાં આતંકી સંગઠન લશ્કરે તોયબાના મોડયૂલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સાથે જ લશ્કરે તોયબા સાથે સંકળાયેલા કુલ 10 આતંકીઓ-તસ્કરોની ધરપકડ કરવામાં આવી છે. બારામુલ્લાના ઉરીમાં ચુરુંડા વિસ્તારમાં સૈન્ય દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી તે દરમિયાન એક શંકાસ્પદ આતંકી છટકવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જોકે સૈન્યએ તેને પકડી લીધો હતો. ધરપકડ કરાયેલા શૌકત અલી અવાને બાદમાં પોતાના અન્ય સાથી આતંકીઓના નામ જાહેર કરી દેતા તેમની પણ ધરપકડ કરાઇ હતી.

ધરપકડ કરાયેલા પાસેથી બે ગ્રેનેડ, એક ચીનની બનાવટની પિસ્તોલ સહિતના હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. તેવી જ રીતે ઉરીના જ પોવરીઆન થાજલ નાકા પોઇન્ટ પર તપાસ દરમિયાન એક વાહનમાં કેટલાક લોકો આવ્યા હતા. તેઓએ પોલીસને કહ્યું હતું કે તેઓ હોસ્પિટલ જઇ રહ્યા છે. જોકે પોલીસને શંકા જતા વધુ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન વાહનમાંથી ચાર હેન્ડ ગ્રેનેડ્સ, બે પિસ્તોલ,અનેક કારતુસ અને રૂ.50 હજાર રોકડા મળ્યા હતા. આ દરમિયાન ચારની ધરપકડ કરાઇ હતી. ધરપકડ કરાયેલા શંકાસ્પદ આતંકીઓ પાકિસ્તાનથી ભારતમાં હથિયારોની તસ્કરીનું કામ પણ કરી રહ્યા હતા.

કુપવાડામાં પણ પાકિસ્તાન સરહદ નજીક સૈન્ય દ્વારા મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા આ હથિયારોમાં પાંચ એકે-47 રાઇફલ, સાત પિસ્તોલ, ચાર હેન્ડગ્રેનેડ્સ અને અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે. કુપવાડાની પાક. સરહદ પાસે હજુ પણ મોટા પ્રમાણમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જ્યારે સોપોર વિસ્તારમાં લશ્કરે તોયબાના બે આતંકીઓ ઝડપાયા હતા, આ આતંકીઓની પાસેથી પણ બે ગ્રેનેડ્સ અને આઠ પિસ્તોલ રાઉન્ડ મળી આવ્યા છે. સૈન્ય જવાનોને જોઇને આ બન્ને આતંકીઓ ભાગી રહ્યા હતા ત્યારે જ ઝડપાઇ ગયા હતા. જુદાજુદા સ્થળોએથી સૈન્ય અને પોલીસે મળીને કુલ 10 જેટલા આતંકીઓ અને આતંકીઓને મદદ કરનારા તસ્કરોને ઝડપી પાડયા હતા. મોટા ભાગના આતંકીઓ લશ્કરે તોયબા સાથે જોડાયેલા છે.