ઘટના@દેશ:આ રાજ્યમાં કથિત રીતે ઝેરી દારૂ પીવાથી 12 લોકોના મોત, મૃતકોમાં 3 મહિલાનો સમાવેશ

 
Tamilnadu

અટલ સમાચાર, ડેસ્ક

તમિલનાડુના વિલ્લુપુરમ અને ચેંગલપટ્ટુ જિલ્લામાં કથિત રીતે ઝેરી દારૂ પીવાથી ત્રણ મહિલાઓ સહિત 12 લોકોના મોત થયા છે. અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે, વિલ્લુપુરમ જિલ્લાના મારક્કનમ નજીક એકકીરાકુપ્પમના રહેવાસી છ લોકોનું રવિવારે મૃત્યુ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચેંગલપટ્ટુ જિલ્લાના મદુરંથાગામમાં શુક્રવારે બે વ્યક્તિઓ અને રવિવારે એક દંપતીનું મોત ઝેરી દારૂના સેવનને કારણે થયું હતું. 

તમિલનાડુની ઘટનાને લઈ અધિકારીઓએ જણાવ્યું છે કે, બે ડઝનથી વધુ લોકોની સારવાર ચાલી રહી છે. ઘટના પછી પોલીસ મહાનિરીક્ષક (ઉત્તર) એન કન્નને યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું અને કહ્યું હતું કે, તમામે ઇથેનોલ-મિથેનોલ જેવા ભેળસેળવાળા પદાર્થથી ભરપૂર દારૂ પીધો હતો. તેમણે કહ્યું કે, તમિલનાડુના ઉત્તરમાં ઝેરી દારૂના કારણે મૃત્યુની બે અલગ-અલગ ઘટનાઓ નોંધાઈ છે અને હજુ સુધી પોલીસને બંને ઘટનાઓ વચ્ચે સંબંધ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી, પરંતુ પોલીસ તપાસ કરી રહી છે. 


સમગ્ર મામલે આઈજી એન કન્નને વધુમાં જણાવ્યું કે, ચેંગલપટ્ટુ જિલ્લામાં પાંચ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 4ના સારવાર દરમિયાન મોત થયા હતા. પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. ચેંગલપટ્ટુ જિલ્લામાં બનેલી ઘટનાના સંબંધમાં આરોપી અમ્માવાસાઈની ધરપકડ કરવામાં આવી છે. બંને ઘટનાઓમાં કેટલાક આરોપીઓ ફરાર છે અને આરોપીઓને પકડવા માટે વિશેષ ટીમો બનાવવામાં આવી છે.