નિર્ણય@દેશ: 15 વર્ષ જૂની સરકારી ગાડીઓ હવે જશે ભંગારમાં, નવો નિયમ આ તારીખથી થશે લાગૂ
અટલ સમાચાર, ડેસ્ક
ભારત સરકારના રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે સર્કુલર ઈકોનોમી અને વધતા પ્રદૂષણને ઘટાડવા માટે મોટર વ્હીકલ એક્ટમાં સંશોધન કરવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત હવે 15 વર્ષથી વધારે જૂના થયેલા તમામ સરકારી વાહનોનું રજીસ્ટ્રેશન કેન્સલ થઈ જશે. તેમાં રજીસ્ટ્રેશનને રિન્યૂઅલ કરવામાં આવેલી ગાડીઓ પણ સામેલ છે, આ તમામ કારને રજિસ્ટર્ડ સ્ક્રેપ સેન્ટર પર ભંગારમાં મોકલવામાં આવશે.
જોકે આ નવા નિયમ લાગૂ થયા બાદ 15 વર્ષ જૂના થઈ ચુકેલા કેન્દ્ર સરકારના વાહનો, તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો સરકારી વાહનો, નિગમોના વાહનો, પીએસયૂ, રાજ્ય પરિવહનના વાહન, પીએસયૂ અને સરકારી સહાયતા પ્રાપ્ત સંસ્થાઓના વાહનોને સ્ક્રેપ કરી દેવામા આવશે. આ ગાડીમાં કોઈ પણ સેનાનું વાહન સામેલ નહીં થાય. આ નિયમ 1 એપ્રિલ 2023થી લાગૂ થશે.
ગત વર્ષે નવેમ્બર મહિનામાં રોડ પરિવહન મંત્રાલયે એક ડ્રાફ્ટ જાહેર કરીને આ જાણકારી આપી હતી કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં ઉપયોગમાં આવતી 15 વર્ષ જૂની તમામ ગાડીઓને સ્ક્રેપ કરવી જરુરી છે. આ નિયમ તમામ નિગમો અને પરિવહન વિભાગની બસો અને ગાડીઓ પર લાગૂ થવાની હતી. તેના પર સરકારી સલાહ અને સૂચના અને વાંધા માટે 30 દિવસનો સમય આપ્યો હતો અને હવે આ નિયમ લાગૂ થવા જઈ રહ્યો છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગત વર્ષે નવેમ્બરમાં કહ્યું હતું કે, અમે 15 વર્ષથી વધારે જૂના થઈ ચુકેલા સરકારી વાહનોને ભંગારમાં નાખવાની તૈયારીમાં છીએ, તેમના જણાવ્યા અનુસાર, તેમણે પ્રધાનમંત્રી મોદીના માર્ગદર્શનમાં આ નિયમ સંબંધિત એક ફાઈલ પર હસ્તાક્ષર કર્યા હતા, જેને તમામ રાજ્ય સરકાર પણ અપનાવશે.