દુઘટર્ના@વર્લ્ડ: પ્રાઈવેટ સ્કૂલની છત ધરાશાયી થતાં 21નાં મોત, જાણો સમગ્ર દુર્ઘટના વિશે

20 વિદ્યાર્થીઓ અને એક મહિલા ટીચર સામેલ છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

પાકિસ્તાનના પેશાવરમાં આજે એક પ્રાઈવેટ સ્કૂલની છત ધરાશાયી થતાં 21 લોકોનાં મોત થયા છે. તેમાં 20 વિદ્યાર્થીઓ અને એક મહિલા ટીચર સામેલ છે. તમામ બાળકોની ઉંમર 13 વર્ષ અથવા તેનાથી ઓછી છે.

આ અકસ્માત દીર કોલોની વિસ્તારમાં થયો હતો. તેમાં 40થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. તેમની સારવાર માટે હોસ્પિટલમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે દુર્ઘટનામાં લોકોનાં મોત પર ભારે દુઃખ વ્યક્ત કર્યું. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને આ મુશ્કેલ સમયમાં તેમને હિંમત મળે તે માટે પ્રાર્થના કરી.

વડાપ્રધાને ઘાયલો જલદી સાજા થાય તેવી પ્રાર્થના કરી. તેમણે અધિકારીઓને ઘાયલો માટે શક્ય તેટલી સારી સારવારની વ્યવસ્થા કરવા અને બચાવ કામગીરીમાં ઝડપ લાવવાનો નિર્દેશ આપ્યો છે.

ખૈબર પખ્તૂનખ્વાના ગવર્નરે તપાસના આદેશ આપ્યા

ખૈબર પખ્તૂનખ્વાના ગવર્નર ફૈસલ કરીમ કુંડીએ પણ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે મૃત્યુ પામેલા બાળકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

ગવર્નરે કહ્યું કે નિર્દોષ બાળકોનાં જીવ જવું અત્યંત દુઃખદ દુર્ઘટના છે. તેમણે ઘાયલ બાળકો જલદી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી અને સંબંધિત અધિકારીઓને તેમને સારી મેડિકલ સુવિધાઓ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યા.

તેમણે અધિકારીઓ પાસેથી સ્કૂલની છત ધરાશાયી થવાની ઘટના અંગે વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. સાથે જ દુર્ઘટનાનું કારણ જણાવવાનો નિર્દેશ પણ આપ્યો છે.