ચૂંટણી@દેશ: જમ્મુ-કાશ્મીરમાં 3 વાગ્યા સુધી 46% મતદાન થયું, શ્રીનગરમાં સૌથી ઓછું 22.62% વોટિંગ
બીજા તબક્કાની 26 બેઠકોમાંથી 15 બેઠકો મધ્ય કાશ્મીરની અને 11 બેઠકો જમ્મુની છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બીજા તબક્કામાં 239 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 233 પુરૂષો અને 6 મહિલાઓ છે.
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જમ્મુ-કાશ્મીરમાં આજે મતદાન થઇ રહ્યું છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 6 જિલ્લાની 26 વિધાનસભા બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. જેમાં 25.78 લાખ મતદારો સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે.
બપોરે 3 વાગ્યા સુધી 46.122 ટકા મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન રિયાસીમાં 63.91% છે, જ્યારે સૌથી ઓછું શ્રીનગરમાં 22.62% થયું છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું- જ્યાં એક સમયે મતદાનના બહિષ્કારની જાહેરાત કરવામાં આવી હતી, આજે ત્યાં રેકોર્ડ મતદાન થઈ રહ્યું છે.
બીજા તબક્કાની 26 બેઠકોમાંથી 15 બેઠકો મધ્ય કાશ્મીરની અને 11 બેઠકો જમ્મુની છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બીજા તબક્કામાં 239 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 233 પુરૂષો અને 6 મહિલાઓ છે.
બીજા તબક્કામાં 131 ઉમેદવારો કરોડપતિ છે અને 49 સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. જમ્મુ-કાશ્મીર બીજેપી અધ્યક્ષ રવીન્દ્ર રૈનાએ પોતાની સંપત્તિ માત્ર 1,000 રૂપિયા જાહેર કરી છે. વોટિંગ દરમિયાન તેમણે કહ્યું- પીડીપી, એનસી અને કોંગ્રેસની સરકારોમાં ભયનું વાતાવરણ હતું.
પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા ગાંદરબલ અને બીરવાહથી ચૂંટણી લડી રહ્યા છે. ઓમર લોકસભા ચૂંટણીમાં બારામુલા બેઠક પરથી તિહાર જેલમાંથી ચૂંટણી લડેલા એન્જિનિયર રાશિદ સામે હારી ગયા હતા. આ વખતે પણ જેલમાં બંધ સર્જન અહેમદ વાગે ઉર્ફે આઝાદી ચાચા ગાંદરબલ સીટ પર તેમની સામે મેદાનમાં છે. 18 સપ્ટેમ્બરે પ્રથમ તબક્કામાં 7 જિલ્લાની 24 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું. આ દરમિયાન 61.38% મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન કિશ્તવાડમાં 80.20% અને સૌથી ઓછું પુલવામામાં 46.99% હતું.