રિપોર્ટ@દેશ: ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં વરસાદ, પૂર અને વીજળી પડવાને કારણે 56 લોકોના મોત

6 રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા

 
રિપોર્ટ@દેશ: ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં વરસાદ, પૂર અને વીજળી પડવાને કારણે છેલ્લા 24 કલાકમાં 56 લોકોના મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં વરસાદની સીઝન ચાલી રહી છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.  ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં વરસાદ, પૂર અને વીજળી પડવાને કારણે છેલ્લા 24 કલાકમાં 56 લોકોના મોત થયા છે. યુપીમાં પૂર-વરસાદ સંબંધિત અકસ્માતોમાં 32 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્યના 12 જિલ્લાના લગભગ 800 ગામડાઓમાં પૂર જેવી સ્થિતિ છે. NDRF અને SDRFની ટીમ પીલીભીત અને લખીમપુર ખીરીમાં બચાવ કાર્યમાં વ્યસ્ત છે.

બિહારમાં વીજળી પડવાથી 21 અને ઝારખંડમાં 3 લોકોના મોત થયા છે. IMD એ ગુરુવારે (11 જુલાઈ) બિહારમાં ભારે વરસાદ અને વીજળી મામલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં ગંડક, કોસી, બાગમતી, કમલા સહિતની ઘણી નદીઓ વહેતી થઇ છે. ગોપાલગંજ, પશ્ચિમ ચંપારણ સહિત અનેક જિલ્લાઓ પૂરની ઝપેટમાં આવી ગયા છે.

હવામાન વિભાગે આજે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને ગોવામાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઝારખંડ, બંગાળ, ઓડિશા અને કર્ણાટકમાં યલો એલર્ટ છે.


હિમાચલ પ્રદેશમાં 2 અઠવાડિયામાં વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે 22 લોકોના મોત થયા છે. રાજ્ય સરકારના એક અધિકારીએ બુધવારે (10 જુલાઈ) જણાવ્યું હતું કે ચોમાસું 27 જૂને રાજ્યમાં પહોંચ્યું હતું. ત્યારપછી ભારે વરસાદના કારણે સરકારને 172 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

હિમાચલ પ્રદેશના સ્ટેટ ઇમર્જન્સી સેન્ટરના જણાવ્યા અનુસાર મંડી જિલ્લાના 5 , સિમલાના 4 અને કાંગડાના 3 મુખ્ય માર્ગો ભૂસ્ખલનના કાટમાળને કારણે બંધ કરી દેવામાં આવ્યા છે. રાજધાની દિલ્હીમાં ગઈકાલે ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી દિવસોમાં દિલ્હીમાં વધુ વરસાદ પડશે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનમાં 223.37 મિમી વરસાદ નોંધાયો છે. જે રાજ્યના સરેરાશ વાર્ષિક વરસાદના 25.30 ટકા છે. રાજ્યના 24 તાલુકાઓમાં 501 mm થી 1000 mm સુધીનો વરસાદ નોંધાયો છે.