રિપોર્ટ@દેશ: હરિયાણામાં સ્કૂલ બસ પલટી મારતા 6 બાળકોનાં મોત અને 15થી વધુ ઘાયલ

બસ 35 બાળકો સાથે શાળાએ જઈ રહી હતી
 
દુર્ઘટના@દેશ: હરિયાણામાં સ્કૂલ બસ પલટી મારતા 6 બાળકોનાં મોત અને 15થી વધુ ઘાયલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર કેટલીક ભયાનક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. હરિયાણાના મહેન્દ્રગઢમાં ગુરુવારે સવારે બાળકોથી ભરેલી એક ખાનગી શાળાની બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 5-6 બાળકોનાં મોત થયાં હતાં, જ્યારે 15 બાળકો ઘાયલ થયાં હતાં. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માહિતી બાદ પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અકસ્માતનું કારણ ઓવરટેક હોવાનું કહેવાય છે.

મહેન્દ્રગઢના કનિના શહેરમાં આવેલી જીએલ પબ્લિક સ્કૂલ ઈદની રજા બાદ પણ ખુલ્લી હતી. ગુરુવારે સવારે બસ 35 બાળકો સાથે શાળાએ જઈ રહી હતી. દરમિયાન ઉનાણી ગામ પાસે સ્કૂલ બસ ઓવરટેક કરતી વખતે અચાનક પલટી ખાઈ ગઈ હતી.

આ દરમિયાન જોરદાર ધડાકો થયો અને બૂમાબૂમ થઈ હતી. પાંચ બાળકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે એકનું હોસ્પિટલમાં મોત થયું હતું.


માહિતી મળતાં જ લોકો પણ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. અનેક બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. આજે ઈદ નિમિત્તે તમામ સરકારી કચેરીઓ અને શાળાઓમાં રજાઓ છે. તે પછી પણ ખાનગી શાળાએ રજા આપી ન હતી. બસમાં 35 બાળકો હતાં.


મહેન્દ્રગઢના એસપી અર્શ વર્માએ જણાવ્યું કે આ ઘટના રાત્રે 8.30 વાગ્યે બની હતી. ડ્રાઈવર દારૂ પીતો હોવાની માહિતી મળી રહી છે. અમે ડ્રાઈવરનું મેડિકલ કરાવી રહ્યા છીએ. તે નશામાં હતો કે નહીં તે મેડિકલ તપાસ બાદ જ ખબર પડશે. તે ખૂબ જ ઝડપી સ્પીડમાં સ્કૂલ બસ ચલાવી રહ્યો હતો. જેના કારણે બસ ઝાડ સાથે અથડાઈ હતી.

તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 6 બાળકોનાં મોત થયા છે. લગભગ 15થી 20 બાળકો ઈજાગ્રસ્ત હાલતમાં છે. જેમાંથી 1-2 બાળકોની હાલત ગંભીર છે.

ઈદની સરકારી રજા હોવાને કારણે શાળાઓ બંધ હોવા અંગે એસપીએ જણાવ્યું હતું કે આ બાબતે શાળા સત્તાવાળાનો સંપર્ક કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે તપાસ દરમિયાન અમે જોઈશું કે આ મામલે શાળાની શું જવાબદારી છે અને તે મુજબ કાર્યવાહી કરીશું. તેમણે કહ્યું કે વાહનના અધૂરા દસ્તાવેજો અંગે પણ તપાસ કરવામાં આવશે.


મળતી માહિતી મુજબ આ સ્કૂલ બસના દસ્તાવેજો પણ પૂરા નથી. ફિટનેસ સર્ટિફિકેટ પણ એક્સપાયર થઈ ગયું છે. આ પછી પણ શાળા આ બસ ચલાવતી હતી.


કનિના સ્થિત આ સ્કૂલ લગભગ 22 વર્ષ જૂની છે, જે 12મા ધોરણ સુધી ચાલે છે. આ શાળાના માલિક રાજેન્દ્ર લોઢા છે. જેઓ વિવિધ રાજકીય પક્ષો સાથે જોડાયેલા છે. તેઓ નગરપાલિકા કનિનાના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. હરિયાણાના શિક્ષણ મંત્રી સીમા ત્રિખાએ ફોન પર કહ્યું કે હું ડીસી અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે વાત કરી રહી છું. જ્યારે પૂછવામાં આવ્યું કે શું રજાના દિવસે શાળાઓ ચાલુ હોવી જોઈએ, તેમણે કહ્યું કે હું બધું તપાસ કરી રહી છું. તે પછી હું આ મામલે કંઈક કહીશ. હું પણ થોડા સમય પછી ઘટના સ્થળની મુલાકાત લઈશ.