વેપાર@દેશ: શેરબજાર સેન્સેક્સમાં 616 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 161 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોએ 3.16 લાખ કરોડ ગુમાવ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શેરબજારમાં તેજી અને મંદી આવતી જ હોય છે. શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટી માટે નવા સપ્તાહની શરૂઆત નિરાશાજનક રહી છે. સેન્સેક્સમાં 616 પોઇન્ટનો કડાકો બોલાયો છે. બેન્કિંગ સહિત હેવીવેઇટ્સમાં વેચવાલીથી માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાયું છે. સ્મોલકેપ અને મિડકેપ સ્ટોક્સમાં છેલ્લા ઘણા દિવસથી ભારે વેચવાલીથી માર્કેટને વધુ ફટકો પડ્યો છે. શેરબજારમાં મોટા આંચકાથી એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં 3 લાખ કરોડ રૂપિયાથી વધુ ધોવાણ થયું છે.
શેરબજાર બીએસઇ સેન્સેક્સમાં 616 પોઇન્ટનો કડાકો નોંધાયો છે. સેન્સેક્સ 74119ના પાછલા બંધથી સોમવારે 74175 ખૂલ્યો હતો. શરૂઆતથી જ ભારે વેચવાલીના પગલે માર્કેટ સમગ્ર સેશન દરમિયાન દબાણ હેઠળ રહ્યું છે. ભારે વેચવાલીથી માર્કેટ 686 પોઇન્ટ તૂટ્યો અને 73433 ઇન્ટ્રા-ડે તળિયે ઉતરી ગયો. કામકાજના અંતે સેશન 616 પોઇન્ટ ઘટી 73502 બંધ થયો હતો. તો એનએસઇ નિફ્ટી 50 ઇન્ડેક્સ 22307ની ઇન્ટ્રા-ડે બોટમ બનાવી સેશનના અંતે 161 પોઇન્ટ ઘટી 22322 બંધ થયો હતો.
શેરબજારમાં ઘટાડાનું મુખ્ય કારણ બેંકિંગમાં કડાકો છે. બેન્ક નિફ્ટી 508 પોઇન્ટ તૂટીને 47327 બંધ થયો હતો. બેંક નિફ્ટીના 12માંથી એક માત્ર શેર એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક શેર અઢી ટકા વધ્યો હતો. ટોપ 5 લૂઝર શેર એસબીઆઈ, ઈન્ડ્સઇન્ડ બેંક, બંધન બેંક, બેંક ઓફ બરોડા અને એચડીએફસી બેંક 1.2 થી બે ટકા સુધી તૂટ્યા હતા.
બીએસઇ સેન્સેક્સના 30 હેવીવેઇટ્સમાંથી 22 શેર ડાઉન હતા. જેમાં પાવરગ્રીડ, ટાટા સ્ટલી, એસબીઆઈ, ઈન્ડ્સઇન્ડ બેંક અને હિન્દુસ્તાન યુનિલિવર 1.3 થી અઢી ટકા સુધી ડાઉન તૂટ્યા ગતા. એનએસઇ નિફ્ટી 50 ઈન્ડેક્સના 50માંથી 33 શેર રેડ ઝોનમાં બંધ થયા હતા. સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સ નરમ હતા. સેક્યોરિયલ ઈન્ડાઇસિસમાં રિયલ્ટી ઈન્ડેક્સ 1.15 ટકા, પાવર 1. ટકા, મેટલ 1.4 ટકા, બેન્કેક્સ 1.1 ટકા, યુટિલિટિઝ 1.25 ટકા, ટેલિકોમ ઈન્ડેક્સ 2.4 ટકા ઘટ્યા હતા.
બોમ્બ સ્ટોક એક્સચેન્જ પર વધનાર શેર કરતા ઘટીને બંધ થનાર શેરની સંખ્યા સવા 3 ગણી હતી. મંદીના સેશનમાં 193 શેર વર્ષની ટોચે પહોંચ્યા હતા જ્યારે 105 શેરમાં વર્ષનો સૌથી નીચો ભાવ ક્વોટ થયો હતો. શેરબજારમાં 616 પોઇન્ટના કડાકાથી રોકાણકારોને જંગી નુકસાન થયું છે. આજે બીએસઇ ખાતે લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટકેપ 389.65 લાખ કરોડ રૂપિયા હતી. જ્યારે અગાઉ 7 માર્ચ, 2024 ગુરુવારના રોજ બીએસઇની માર્કેટ વેલ્યૂએશન 392.81 લાખ કરોડ રૂપિયા હતી. આમ એક જ દિવસમાં શેરબજારના રોકાણાકોની સંપત્તિમાં 3.16 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે.