બિગબ્રેકિંગ@દેશ: વિધાનસભા ચુંટણીની તારીખ જાહેર, જાણો કઈ તારીખે મતદાન અને પરિણામ ?

 
Election

અટલ સમાચાર, ડેસ્ક 

ચૂંટણી પંચે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે.

ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખોની જાહેરાતોની ચર્ચાની વચ્ચે આજે માત્ર હિમાચલ પ્રદેશની તારીખો ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવાઈ છે. જેમાં 12 નવેમ્બરના રોજ મતદાન યોજાશે અને મતગણતરી 08 ડિસેમ્બર, 2022ના રોજ હાથ ધરાશે.હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી એક તબક્કામાં યોજાશે.

હિમાચલ પ્રદેશમાં 68 બેઠકો પર યોજાશે ચૂંટણી

હિમાચલ પ્રદેશમાં 68 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે, જ્યારે ગુજરાતમાં 182 બેઠકો પર ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થશે. આ બંને રાજ્યોમાં ભાજપનું શાસન છે. હિમાચલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર થશે, જ્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી આ વખતે તનતોડ મહેનત કરી રહી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત પર ફોકસ કરી રહ્યા છે. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપરા છાપરી ગુજરાતના પ્રવાસો યોજી રહ્યા છે.

ગુજરાત ચુંટણી ક્યારે ?

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હજું ઘણા સરકારી કાર્યક્રમો બાકી છે. ડિફેન્સ એક્સપો જે 20-21-22 ઓક્ટોબરે આયોજિત છે, જેમાં વડાપ્રધાન પોતે હાજરી આપવાના છે. આવા સંજોગોમાં ગુજરાતની ચૂંટણી જાહેર થવાની શક્યતા ઓછી છે. આ પહેલાં પણ ડિફેન્સ એક્સપો માર્ચ 2022માં આયોજિત કરવામાં આવ્યો હતો, પરંતુ અમુક કારણોથી એ પાછો ઠેલવામાં આવ્યો હતો. ગુજરાત એક્સપો સરકારનો ખૂબ મોટો કાર્યક્રમ માનવામાં આવે છે. આ ઉપરાંત પણ ઓક્ટોબર મહિનામાં ઘણાં નાના-મોટા કાર્યક્રમો છે જે સરકાર દ્વારા આયોજિત કરાયેલા છે. બીજી બાજુ વાત કરીએ તો 18 ફેબ્રુઆરીએ ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે જ્યારે હિમાચલ પ્રદેશનો 8 જાન્યુઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે. જેથી ગુજરાતની તારીખો મોડી કરવાનું નક્કી કર્યુ હોઈ શકે.