દેશઃ સરકારી કર્મચારીઓ માટે મોટા ખુશખબર, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આ લોકોને પ્રમોશન આપશે
નોકરી

અટલ સમાચાર, ડેસ્ક


કેન્દ્રીય કર્મચારીઓના પ્રમોશન માટે રસ્તો સાફ થઈ ગયો છે અને કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કેન્દ્રીય કર્મચારીઓને પ્રમોશન આપી શકે છે. કેન્દ્ર સરકારે 1 જુલાઈ, 2022ના રોજ 8,000થી વધુ કેન્દ્રીય અધિકારીઓને બઢતી આપી હતી. ત્યારબાદ હવે સરકાર ફરી એકવાર કેટલાક અધિકારીઓને બઢતી આપવાની તૈયારીમાં છે અને કેન્દ્રીય મંત્રી દ્વારા તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. ત્યારે આગામી બેથી ત્રણ સપ્તાહમાં પ્રમોશનને લઈને કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે તેવી આશા સેવાઇ રહી છે.

કેન્દ્રીય મંત્રી ડો.જિતેન્દ્ર સિંહે અધિકારીઓના પ્રતિનિધિમંડળને મળ્યા બાદ જણાવ્યું હતું કે, આગામી બેથી ત્રણ સપ્તાહમાં પ્રમોશનની જાહેરાત કરવામાં આવશે. પીઆઈબી (PIB) તરફથી કરવામાં આવેલા ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્રીય મંત્રીએ પ્રતિનિધિમંડળને કહ્યું કે સરકાર પ્રમોશનને લઈને ગંભીર છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે વ્યક્તિગત રસ લીધો છે.


અહીં નોંધનીય છે કે, છેલ્લે છેલ્લે 2019માં કેન્દ્ર સરકારના મંત્રાલયો અને વિભાગોમાં વહીવટી કામગીરી કરતા અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું હતું. તે સમયે ત્રણેય સેવાઓમાં 4 હજાર અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું હતું. ડો. જીતેન્દ્રસિંહે કહ્યું કે સરકારી કર્મચારીઓ માટે બઢતી વિના સેવામાંથી નિવૃત્ત થવું નિરાશાજનક છે. તેમણે કહ્યું કે, હવે 8,089 કર્મચારીઓને બઢતી આપવામાં તમામ કાનૂની અડચણો દૂર થઈ ગઈ હોવાથી ભવિષ્યની તમામ બઢતીઓ સુવ્યવસ્થિત કરવામાં આવશે.

 
કેન્દ્રીય સચિવાલય ઓફિશિયલ લેંગ્વેજ સર્વિસ ગ્રૂપ-એના અધિકારીઓના પ્રતિનિધિમંડળે કેન્દ્રીય પ્રધાન ડો. જિતેન્દ્રસિંહ સાથે મુલાકાત કરી હતી અને બઢતી આપવાની માંગણી કરી હતી. બેઠક દરમિયાન કેન્દ્રીય મંત્રીએ પ્રતિનિધિમંડળને બઢતી બાબતે તેજી લાવવાની ખાતરી આપી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, સરકારે ઘણા અધિકારીઓને બઢતી આપવાની તૈયારી કરી છે. કેન્દ્ર સરકાર આગામી બેથી ત્રણ સપ્તાહમાં પ્રમોશનની જાહેરાત કરશે. ગત 1 જુલાઈ, 2022ના રોજ કેન્દ્ર સરકારે ત્રણ કેન્દ્રીય સચિવાલય કેડરમાં 8,089થી વધુ કર્મચારીઓને બઢતી માટે નિર્દેશ આપ્યા હતા. સેન્ટ્રલ સેક્રેટરિએટ સર્વિસ એ એડમિનિસ્ટ્રેટિવ સિવિલ સર્વિસીસમાંની એક છે, જેમાં ગ્રુપ એ અને ગ્રુપ બીની જગ્યાઓ પર કર્મચારીઓ કામ કરે છે. ડો. જીતેન્દ્રસિંહના આશ્વાસન બાદ હવે કર્મચારીઓને ટૂંક સમયમાં પ્રમોશન મળવાની આશા બંધાઈ છે.