ચિંતાઃ ડોલર સામે રૂપિયાનું સતત ધોવાણ, નાણામંત્રી નિર્મલા સીતારામને આ પરિબળોને જવાબદાર ગણાવ્યા

ડોલરના ભાવ ઉછળતાં ઘરઆંગણે આયાત થતી ક્રૂડતેલ સહિતની વિવિધ ચીજો મોંઘી બનશે અને ફુગાવો તથા મોંઘવારી વધુ વેગ પકડશે એવી ભીતિ નિષ્ણાતોએ વ્યક્ત કરી હતી.

 
પૈસા

અટલ સમાચાર, ડેસ્ક

ડોલર સામે રૂપિયાનું સતત ધોવાણ થઈ રહ્યું છે. રૂપિયો આજે ઓલ ટાઈમ લોને સ્પર્શની ગયો છે. ડોલર સામે રૂપિયો 80ના સ્તરને વટાવી ગયો છે. ડોલર સામે રૂપિયાની આ ઐતિહાસિક સપાટી છે. રૂપિયો ગગડયો તે પાછળના કારણો નાણામંત્રી નિર્મલા સીતારામને લોકસભામાં રજૂ કર્યા હતા. રશિયા-યુક્રેન યુદ્ધ, ક્રૂડના ભાવમાં વધારા જેવા પરિબળોને તેમણે જવાબદાર ગણાવ્યા હતા. શરૂઆતના ટ્રેડમાં રૂપિયો 80.05 પ્રતિ ડોલરના નીચા સ્તરને સ્પર્શયો હતો. ગઈકાલે 79.97 રૂપિયા પ્રતિ ડોલરના સ્તર પર બંધ થયો હતો. હાલ 79.94 પર કારોબાર કરી રહ્યો છે.

 

લોકસભામાં એક લેખિત સવાલના જવાબમાં નાણામંત્રી સીતારમણે રૂપિયો ગગડયો તેના બચાવમાં જણાવ્યું કે ડોલરની સામે રૂપિયાની તુલનાએ બ્રિટિશ પાઉન્ડ, જાપાની યેન અને યૂરો વધુ ગગડયા છે. તેમણે તો એવો ય દાવો કર્યો હતો કે આ વિદેશી કરન્સીની સરખામણીએ 2022માં રૂપિયો વધારે મજબૂત બન્યો છે.બજારમાં ક્રૂડતેલના ભાવ ફરી ઉંચકાતાં તથા ઘરઆંગણે વિદેશી ફંડોનો આઉટફલો વધતાં રૂપિયા પર દબાણ વધ્યું હતું. વિદેશી ફંડમાં વેચવાલી નીકળી હોવાથી રૂપિયો ઐતિહાસિક સપાટીએ ગગડયો હતો. ડોલરના ભાવ ઉછળતાં ઘરઆંગણે આયાત થતી ક્રૂડતેલ સહિતની વિવિધ ચીજો મોંઘી બનશે અને ફુગાવો તથા મોંઘવારી વધુ વેગ પકડશે એવી ભીતિ નિષ્ણાતોએ વ્યક્ત કરી હતી.

   અટલ સમારા ચાર તમામોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો 

નાણામંત્રીએ એક્સપોર્ટ માર્કેટ માટે આ સ્થિતિને લાભકારી ગણાવીને કહ્યું હતું કે રૂપિયો ડોલર સામે નબળો પડયો છે તેનાથી નિકાસ બજારમાં ભારતની પ્રતિસ્પર્ધા ક્ષમતા વધશે. આરબીઆઈ સતત ફોરેન એક્સચેન્જ પર નજર રાખે છે. વધારે ચડાવ-ઉતાર થાય તો હસ્તક્ષેપ પણ કરે છે. ભારતે થોડા સમય પહેલાં જ ઈન્ટરેસ્ટ રેટ વધાર્યો હોવાથી રેસિડેન્ટ અને નોન રેસિડેન્ટ માટે રૂપિયો રાખવો વધારે આકર્ષક બન્યું છે. નિષ્ણાતોના મતે ડોલર સામે રૂપિયો વધારે નબળો પડી શકે છે. આ વર્ષે ડોલર સામે રૂપિયો છ ટકાથી વધુ ગગડી ચૂક્યો છે.