વાતાવરણ@દેશ: IMDએ ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી તો મહારાષ્ટ્રમાં યેલો ઍલર્ટ જાહેર

અટલ સમાચાર, ડેસ્ક
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર આગામી થોડા દિવસોમાં મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડ સહિત દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત આગામી પાંચ દિવસ દરમ્યાન ગુજરાત અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેવાની સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ મુંબઈ, થાણે અને સિંધુદુર્ગ સહિત મહારાષ્ટ્રના ભાગો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. સોમવારે રાત્રે મુંબઈના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો હતો અને વરસાદ બાદ મુંબઈના સાયન વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. ભારત હવામાન વિભાગ (IMD) એ ઉત્તરાખંડના ગઢવાલ અને કુમાઉ પ્રદેશોના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
મહત્વનું છે કે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે-ત્રણ દિવસમાં રાજસ્થાનના ઘણા ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ સિસ્ટમના પ્રભાવ હેઠળ આગામી ચાર-પાંચ દિવસ પૂર્વ રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.