બ્રેકિંગ@દેશ: નોટબંધી પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, કેન્દ્ર સરકારનો ફેંસલો યોગ્ય

 
Supreme Court

અટલ સમાચાર, ડેસ્ક

સુપ્રીમ કોર્ટે સોમવારે મોટો નિર્ણય સંભળાવતા કેન્દ્ર સરકારના 2016માં 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાના નિર્ણયને યથાવત રાખ્યો છે. મોદી સરકારના નોટબંધીને પડકારતી 58 અરજીઓ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ અબ્દુલ નઝીરની આગેવાની હેઠળની 5 જજોની બંધારણીય બેન્ચે કહ્યું કે આર્થિક નિર્ણયો બદલી શકાય નહીં.

અગાઉ, જસ્ટિસ અબ્દુલ નઝીરની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે પાંચ દિવસની ચર્ચા પછી 7 ડિસેમ્બરે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. જસ્ટિસ અબ્દુલ નઝીર, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ એ.એસ. બોપન્ના, જસ્ટિસ વી. રામસુબ્રમણ્યમ અને જસ્ટિસ બી.વી. નાગરત્ન સામેલ હતા.

શું કહ્યું સુપ્રીમ કોર્ટે ? 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નોટબંધી પહેલા કેન્દ્ર અને આરબીઆઈ વચ્ચે ચર્ચા થઈ હતી. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે, નોટબંધીનો નિર્ણય લેતી વખતે અપનાવવામાં આવેલી પ્રક્રિયામાં કોઈ ખામી નહોતી. તેથી તે સૂચના રદ કરવાની કોઈ જરૂર નથી. સુપ્રીમ કોર્ટે 2016માં રૂ. 500 અને રૂ. 1000ની નોટોને બંધ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યથાવત રાખ્યો છે.

અરજદારોનો શું હતો દાવો ? 

અરજદારોનો દાવો હતો કે, સરકાર દ્વારા અપનાવવામાં આવેલી પ્રક્રિયામાં મોટી ખામીઓ હતી અને તેને રદ કરવી જોઈએ. આ પ્રક્રિયાએ દેશના કાયદાના શાસનની મજાક ઉડાવી. સરકાર આરબીઆઈના કેન્દ્રીય બોર્ડની ભલામણ પર જ નોટબંધી કરી શકે છે. પરંતુ અહીં પ્રક્રિયા ઉલટી થઈ હતી. કેન્દ્રએ નિર્ણય લેવા દરમિયાન મહત્વના દસ્તાવેજો રોકી રાખ્યા હતા, જેમાં 7 નવેમ્બરે સરકાર દ્વારા RBIને લખવામાં આવેલ પત્ર અને RBI બોર્ડ મીટિંગની મિનિટ્સનો સમાવેશ થાય છે.

કેન્દ્રએ શું કહ્યું હતું ? 

અરજીઓના જવાબમાં કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, નકલી નોટો, બિનહિસાબી નાણાં અને આતંકવાદ જેવી પ્રવૃત્તિઓ સામે લડવા માટે નોટબંધી એક મહત્વપૂર્ણ પગલું છે. ડિમોનેટાઇઝેશનને અન્ય તમામ સંબંધિત આર્થિક નીતિના પગલાંથી અલગ કરીને જોવું અથવા તપાસવું જોઈએ નહીં. આર્થિક પ્રણાલીમાં જે પ્રચંડ લાભો પ્રાપ્ત થયા છે તેની તુલના લોકો દ્વારા એક વખતની મુશ્કેલીઓ સાથે કરી શકાતી નથી. નોટબંધીથી મોટાભાગે સિસ્ટમમાંથી નકલી ચલણ દૂર થઈ ગયું. ડિમોનેટાઈઝેશનથી ડિજિટલ ઈકોનોમીને ફાયદો થયો છે.

 

2016માં થઈ હતી નોટબંધી 

8મી નવેમ્બર 2016ની સાંજ કોણ ભૂલી શકે. આ દિવસે વડાપ્રધાન મોદીએ દેશમાં નોટબંધીની જાહેરાત કરી હતી. જેમાં મધરાત 12 વાગ્યા બાદ 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરી દેવામાં આવી હતી. આ સાથે 500 અને 2000ની નવી નોટો ચલણમાં લાવવામાં આવી હતી. પીએમ મોદીની આ જાહેરાત બાદ સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. 8 નવેમ્બર 2016 પછી લોકો કેટલાય દિવસો સુધી એટીએમ અને બેંકોમાં સવારથી રાત સુધી કતારોમાં ઉભા રહ્યા હતા. આ પ્રક્રિયા ઘણા દિવસો સુધી ચાલી. આખો દેશ લાઈનોમાં હતો. નોટબંધીનો ફાયદો અને નુકસાન શું હતું એ અલગ વિષય છે. આ અંગે બીજા દિવસે ચર્ચા થઈ શકે છે. પરંતુ આજે 2 જાન્યુઆરી, સોમવારે સુપ્રીમ કોર્ટ આ અંગે મોટો નિર્ણય આપી દીધો છે.