ખુશખબર@દેશ: ટેલિકોમ કંપનીઓને TRAIનું અલ્ટિમેટમ, મોબાઈલ ગ્રાહકોને 30 દિવસનો પ્લાન આપવો જ પડશે

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ પ્રીપેડ મોબાઇલ ગ્રાહકોની તરફેણમાં લીધો મોટો નિર્ણય
 
File Photo
અટલ સમાચાર, ડેસ્ક 
દેશભરના મોબાઈલ ગ્રાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ પ્રીપેડ મોબાઇલ ગ્રાહકોની તરફેણમાં મોટો નિર્ણય લીધો છે. ટ્રાઈએ સોમવારે તમામ ટેલિકોમ કંપનીઓને મોબાઈલ રિચાર્જની વેલિડિટી 28 દિવસના બદલે 30 દિવસ સુધી આપવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે હવે ટેલિકોમ કંપનીએ પોતાના પ્લાનમાં આખા મહિનાની વેલિડિટી સાથે ખાસ વાઉચર, કોમ્બો વાઉચર લાવવું પડશે. 
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) એ સાત મહિના પહેલા જ આ સૂચનાઓ જાહેર કરી હતી, પરંતુ ટેલિકોમ કંપનીઓએ તેનું પાલન કર્યું ન હતું. આથી ટ્રાઇએ ફરી તમામ ટેલિકોમ કંપનીઓને આ સૂચના આપી છે. ટેલિકોમ કંપનીઓના હાલના પ્લાનની વેલિડિટી 28 દિવસની છે, જેના કારણે ગ્રાહકોને વર્ષમાં માસિક 13 વખત રિચાર્જ કરાવવું પડે છે. ટ્રાઈના આ નિર્ણય બાદ માનવામાં આવી રહ્યું છે કે એક વર્ષમાં ગ્રાહકો દ્વારા કરવામાં આવતા રિચાર્જની સંખ્યા ઘટી જશે. આનાથી ગ્રાહકોને એક મહિનાના વધારાના રિચાર્જના પૈસાની બચત થશે.
એટલા દિવસમાં નિયમોનું પાલન કરવું પડશે
મહત્વનું છે કે, ટ્રાઇએ ટેલિકોમ કંપનીઓ માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નોટિફિકેશન અનુસાર તમામ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સને ઓછામાં ઓછું એક પ્લાન વાઉચર, એક સ્પેશિયલ ટેરિફ વાઉચર અને 30 દિવસની વેલિડિટી સાથે એક કોમ્બો વાઉચર લાવવાનું રહેશે. આ સિવાય કંપનીઓને સૂચનાની તારીખથી 60 દિવસની અંદર નિયમોના આદેશનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. ટ્રાઇએ એપ્રિલ મહિનામાં કંપનીઓને આ અંગે સૂચના આપી હતી કે તેમણે પ્લાન વાઉચર અને પ્લાન વાઉચર રિન્યૂઅલ કેટેગરીમાં ઓછામાં ઓછું એક એવું ટેરિફ લાવવું પડશે, જેની વેલિડિટી 30 દિવસની રહેશે.
નોંધનીય છે કે, ટેલિકોમ કંપનીઓના હાલના પ્લાન અંગે ટ્રાઈને ગ્રાહકો તરફથી સતત ફરિયાદો મળી રહી હતી. ગ્રાહકોનો આરોપ છે કે, હાલની ટેલિકોમ કંપનીઓની ટેરિફ પ્રાઇસ સતત વધી રહી છે, પરંતુ વેલિડિટી ઘટી રહી છે. આવી સ્થિતિમાં, તેઓએ દર વર્ષે વધારાનું રિચાર્જ કરવું પડે છે. જો વેલિડિટી 2 દિવસ વધારવામાં આવે તો તેમને રાહત મળશે. ટ્રાઇએ સર્વિસ પ્રોવાઇડર્સની યોજનાઓ શેર કરી મોબાઇલ ટેરિફમાં બે કેટેગરી છે. પ્રથમ કેટેગરી માન્યતા અવધિ આધારિત છે. બીજી કેટેગરી તે જ તારીખે નવીકરણ પર આધારિત છે. તેને એક મહિનાનો પ્લાન પણ કહેવામાં આવે છે. ટ્રાઈએ અલગ અલગ કેટેગરી માટે 30 દિવસની વેલિડિટી સાથે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સના પ્લાન્સ વિશે સંપૂર્ણ જાણકારી શેર કરી છે.