નિર્ણય@દેશ: પાંચ રાજ્યોની જાતિઓને ST સમુદાયમાં સામેલ કરાઈ, ભાજપે ચૂંટણીમાં આપ્યું હતું વચન

કેન્દ્ર સરકારે પાંચ રાજ્યોની જાતિઓને અનુસૂચિત જનજાતિ સામેલ કરી દેવાનો એક નિર્ણય લીધો
 
Modi File Photo

અટલ સમાચાર, ડેસ્ક 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશના પાંચ રાજ્યોની જાતિઓને અનુસૂચિત જનજાતિમાં સામેલ કરવામાં આવી છે. તેમાં ઉત્તર પ્રદેશના 13 જિલ્લામાં ગોંડ જાતિના લોકોને અનુસૂચિત જાતિમાંથી હટાવીને અનુસૂચિત જનજાતિમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગોંડ જાતિની પાંચ પેટા જાતિઓ - ધુરિયા, નાયક, ઓઝા, પાથરી અને રાજગોંડને પણ અનુસૂચિત જનજાતિની યાદીમાં સામેલ કરવામાં આવી છે. બાકીના રાજ્યોની એસટી સમુદાયની વિગતો પછીથી જાહેર કરવામાં આવશે. 

 

ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશની જનતાને આપેલા પોતાના એક મહત્વના ચૂંટણી વચનને પૂર્ણ કર્યું હતું. પાર્ટીએ ગોંડ જાતિને અનુસૂચિત જનજાતિની યાદીમાં સામેલ કરવા માટે કાયદો લાવવાનું વચન આપ્યું હતું. આ વર્ષે માર્ચમાં, સરકારે લોકસભામાં બંધારણ (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ) આદેશ (બીજો સુધારો) બિલ, 2022 રજૂ કર્યું હતું. ઉત્તર પ્રદેશની ગોંડ, ધુનિયા, નાઈક, ઓઝા પાથરી અને રાજગોંડ જાતિઓને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની જોગવાઈ કરતું આ બિલ ત્યાં ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યું હતું. જો કે, ત્યારે રાજ્યસભામાં આ બિલ પાસ થઈ શક્યું ન હતું.

જેને લઈ હવે આવી સ્થિતિમાં તેને કેન્દ્રીય મંત્રીમંડળમાં પાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે આદિજાતિ બાબતોના પ્રધાન અર્જુન મુંડાએ આ ખરડા વિશે માહિતી આપતાં કહ્યું હતું કે, આ ખરડો 2002માં પસાર કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ યુપીના ઘણા જિલ્લાઓ વિભાજિત થયા હતા અને તેના કારણે ગોંડ જાતિને અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિત કરવામાં આવી હોવા છતાં, તેઓ નવા જિલ્લાઓમાં તે દરજ્જો મેળવી શક્યા નથી.