સ્પેશ્યલ@દિવસ: આજે હિન્દી દિવસ: PM મોદી વિદેશમાં પણ હિન્દીમાં જ કરે છે સંબોધન, અમિત શાહ

પ્રતિજ્ઞા લઈએ કે, રોજિંદા કામમાં, ઓફિસના કામમાં હિન્દી-સ્થાનિક ભાષાઓનો ઉપયોગ કરશું: અમિત શાહ 
 
Amit Shah

અટલ સમાચાર, ડેસ્ક 

14 સપ્ટેમ્બર 1949ના રોજ ભારતની બંધારણ સભાએ દેવનાગરી લિપિમાં લખેલી હિન્દી ભાષાને દેશની સત્તાવાર ભાષા તરીકે સ્વીકારી હતી. ત્યારથી દર વર્ષે 14 સપ્ટેમ્બરને હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.  આ તરફ આજે હિન્દી દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશને એક વીડિયો સંદેશ આપ્યો હતો. જેમાં હિન્દીનું મહત્વ, તેની ઉપયોગિતા, આઝાદીની ચળવળમાં હિન્દીનો ઉપયોગ અને દેશ-વિદેશમાં હિન્દીમાં વડાપ્રધાનના ભાષણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પીએમ મોદીએ પણ પોતાનો સંદેશ આપ્યો છે.  

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક વિડીયો સંદેશમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન દેશ-વિદેશના મંચો પર હિન્દીમાં ભાષણ આપે છે, જેના કારણે તમામ હિન્દી પ્રેમીઓમાં ઉત્સાહનો સંચાર છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છે અને વડાપ્રધાનના તેજસ્વી નેતૃત્વમાં આવનારા 25 વર્ષ દેશના અમૃતકાળ તરીકે ઉજવવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, ભાષાકીય સમરસતાને ધ્યાનમાં રાખીને, હિન્દી અને આપણી તમામ ભારતીય ભાષાઓનો વિકાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. 

આ સાથે અમિત શાહે કહ્યું હતું કે,  આવો આપણે આજે પ્રતિજ્ઞા લઈએ કે રોજિંદા કામમાં, ઓફિસના કામમાં હિન્દી અને સ્થાનિક ભાષાઓમાં વધુને વધુ કામ કરીને અન્યો માટે એક અનુકરણીય ઉદાહરણ સ્થાપિત કરીએ અને આપણી યુવા પેઢીને પણ આ માર્ગ પર લઈ જઈએ. હિન્દી દિવસના શુભ અવસર પર આપ સૌને મારી હાર્દિક શુભેચ્છાઓ. વંદે માતરમ!.


મહત્વનું છે કે, દેશની ભાષાકીય સમૃદ્ધિને ધ્યાનમાં રાખીને બંધારણ નિર્માતાઓએ ભારતના બંધારણમાં ભાષાઓ માટે અલગ જોગવાઈ કરી છે. જેમાં શરૂઆતમાં 14 ભાષાઓ રાખવામાં આવી હતી અને હવે કુલ 22 ભાષાઓનો 8મા શિડ્યુલમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતની તમામ ભાષાઓ મહત્વપૂર્ણ છે. તેનો પોતાનો એક સમૃદ્ધ ઈતિહાસ છે અને હિન્દીએ પણ વિવિધ ભારતીય ભાષાઓ સાથે સમન્વય કરીને લોકોના મનમાં વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું છે.  સ્વતંત્રતા પછી હિન્દીની મહત્વની ભૂમિકાને ધ્યાનમાં રાખીને, બંધારણના ઘડવૈયાઓએ કલમ 343 દ્વારા હિન્દી અને દેવનાગરી લિપિને સંઘની સત્તાવાર ભાષા તરીકે અપનાવી હતી.

વડાપ્રધાન મોદીએ શું કહ્યું ? 

હિન્દી દિવસ પર પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, હિન્દીએ સમગ્ર વિશ્વમાં ભારત માટે વિશેષ સન્માન મેળવ્યું છે. તેની સાદગી, સહજતા અને સંવેદનશીલતા હંમેશા આકર્ષે છે. હિન્દી દિવસ પર, હું તે તમામ લોકોને મારી હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું જેમણે તેને સમૃદ્ધ અને સશક્ત બનાવવામાં અથાક યોગદાન આપ્યું છે.