દુર્ઘટનાઃ શ્રાદ્ધ કરવા ગયેલા એક જ પરિવારના ચારેય સભ્યો ગંગા નદીમાં નાહવા જતા ડૂબી ગયા
મોત

અટલ સમાચાર, ડેસ્ક 


પટનામાં બુધવારે એક જ પરિવારના ચાર સભ્યો ગંગામાં ડૂબી ગયા હતા. પતિ-પત્ની તેમના બે સંતાનો સાથે શ્રાદ્ધ કરવા આવ્યા હતા. ગંગા નદીમાં નાહવા દરમિયાન એક પછી એક ચારેય લોકો ડૂબી ગયા હતા. ડૂબતા પરિવારને બચાવવા માટે 3-4 યુવાનોએ પણ ગંગામાં ઝંપલાવ્યું હતું, પરંતુ નદીમાં પાણીનાં ભારે વહેણના કારણે તેમને બચાવી શક્યા ન હતા. પરિવાર મદદ માટે બૂમો પાડતો રહ્યો હતો, પછી અવાજ આવતો બંધ થઈ ગયો.


આ પરિવાર પટનાના શેખપુરાનો રહેવાસી હતો. મૃતકોના નામ મુકેશ કુમાર (48 વર્ષ), આભા દેવી (32 વર્ષ), સપના કુમારી (15 વર્ષ) અને ચંદન કુમાર (13 વર્ષ) છે. હજુ સુધી કોઈનો પણ મૃતદેહ મળ્યો નથી. પોલીસ સ્થાનિક તરવૈયાઓની મદદથી તપાસ કરી રહી છે. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રાજનંદને જણાવ્યું કે આ દિવસોમાં ગંગા નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોય છે. તેથી, મૃતદેહો શોધવામાં મુશ્કેલી પડી રહી છે. લોકોએ પણ સાવચેત રહેવું જોઈએ.