બનાવ@દમણ: હોટલના બાથરૂમમાં નાહવા ગયેલા એક પરિવારને વીજ કરંટ લાગ્યો.

પિતા પુત્રનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું
 
બનાવ@દમણ: હોટલના બાથરૂમમાં નાહવા ગયેલા એક પરિવારને વીજ કરંટ લાગ્યો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

એક હોટલમાં ગોઝારી ઘટના બની છે. જેમાં હોટલના બાથરૂમમાં નાહવા ગયેલા એક પરિવારને વીજ કરંટ લાગ્યો.

બનાવની વિગત મુજબ, નડિયાદના મિશન રોડ પર રહેતા વાઘેલા પરિવાર દમણ ફરવા આવ્યો હતો. શ્રીકાંત વાઘેલા અને તેમના પુત્ર સિનોન અને પત્ની કિંજલ દમણ ફરવા આવ્યા હતા. જેઓ દમણની નાનાઝ પેલેસ નામની હોટલમાં રોકાયા હતા. 6 વર્ષીય પુત્ર સિનોન બાથરૂમમાં નાહવા ગયો હતો અને અચાનક તેને કરંટ લાગતા પ્રથમ માતા બચાવવા ગઈ હતી. આથી માતા પણ વીજ કરંટની ઝપટમાં આવી હતી.

માતા અને પુત્રને વીજ કરંટ લાગતા પિતા શ્રીકાંત વાઘેલા પણ બંનેને બચાવવા જતા તેમને પણ કરંટ લાગ્યો હતો. જોકે ત્યારબાદ હોટલમાં દોડધામ મચી ગઈ હતી અને હોટલના કર્મચારીઓએ વીજ પ્રવાહ બંધ કર્યો હતો. આ પહેલા જ પિતા અને પુત્રનો ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે પત્ની કિંજલ ઇજાગ્રસ્ત થયા હતા.

બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ દમણ પોલીસની ટીમ હોટેલ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ હોટેલ નાનાઝ પેલેસ સામે કેસ દાખલ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દમણની આ નાનાઝ પેલેસ હોટલમાં બનેલી આ ઘટનાને કારણે સમગ્ર પ્રદેશમાં ચકચાર મચી છે.

બનાવ બાદ હવે પ્રશાસન દ્વારા હોટેલમાં ઇલેક્ટ્રીક ઓડિટ ના નામે કાર્યવાહી કરવામાં આવનાર છે. તેને લઈને અન્ય હોટલમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.