રિપોર્ટ@દેશ: જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં નવી સરકાર બનશે, INDIA ગઠબંધનના 3 સભ્યોનું પ્રતિનિધિમંડળ LGને મળશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. કેટલાકની જીત તો, કેટલાક હાર્યા. જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં નવી સરકાર બનવા જઈ રહી છે. INDIA ગઠબંધનનું 3 સભ્યોનું પ્રતિનિધિમંડળ શુક્રવારે એલજી મનોજ સિન્હાને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. શપથગ્રહણ સમારોહ 13 અથવા 14 ઓક્ટોબરે યોજાય તેવી શક્યતા છે.
ઓમર અબ્દુલ્લા મુખ્યમંત્રી હશે. જો કે રાજ્ય સરકારમાં કોઈ ડેપ્યુટી સીએમ નહીં હોય. નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડનાર કોંગ્રેસને ડેપ્યુટી સ્પીકરનું પદ મળી શકે છે. કોંગ્રેસ તરફથી ડુર્રુ સીટના ધારાસભ્ય જીએ મીર અથવા રાજ્ય અધ્યક્ષ અને સેન્ટ્રલ શાલટેંગના ધારાસભ્ય તારિક હામીદ કર્રાને કેબિનેટ મંત્રીનો દરજ્જો મળી શકે છે.
જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં INDIA ગઠબંધનને 49 બેઠકો મળી હતી. ગઠબંધનમાં સામેલ નેશનલ કોન્ફરન્સને સૌથી વધુ 42, કોંગ્રેસને 6 અને CPI(M)ને એક સીટ મળી હતી. બહુમતીનો આંકડો 46 છે.
8 ઓક્ટોબરે જાહેર કરાયેલ જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપે 29 બેઠકો જીતી હતી. ગઈ ચૂંટણીની સરખામણીમાં પાર્ટીને 4 બેઠકોનો ફાયદો થયો છે. જો કે, જમ્મુ અને કાશ્મીર બીજેપી અધ્યક્ષ રવિન્દર રૈના નૌશેરા સીટ પરથી NC ઉમેદવાર સામે લગભગ 8 હજાર મતોથી હારી ગયા હતા. તેમણે પોતાનું રાજીનામું પાર્ટી હાઈકમાન્ડને મોકલી આપ્યું છે.
પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની પાર્ટી PDPને 3 બેઠકો મળી છે. ગઈ ચૂંટણીમાં પાર્ટીને 28 બેઠકો મળી હતી. મહેબૂબાની પુત્રી ઇલ્તિજા મુફ્તી, જે પહેલીવાર ચૂંટણી લડી રહી હતી, તે શ્રીગુફવારા બિજબેહરા બેઠક પરથી 9 હજારથી વધુ મતોથી હારી ગઈ હતી.
જમ્મુ-કાશ્મીરમાં આમ આદમી પાર્ટીએ પહેલીવાર જીત નોંધાવી છે. ડોડા બેઠક પરથી મેહરાજ મલિકે ભાજપના ગજયસિંહ રાણાને 4500થી વધુ મતોથી હરાવ્યા હતા. જ્યારે પીપલ્સ કોન્ફરન્સે એક સીટ જીતી હતી. 7 સીટ પર અપક્ષનો વિજય થયો હતો. સંસદ હુમલાના આરોપી અફઝલ ગુરુના ભાઈ એજાઝ ગુરુને સોપોર બેઠક પરથી 129 મત મળ્યા હતા.