દુર્ઘટના@બિહાર: ખુશી માતમમાં ફેરવાઈ: એક જ પરિવારના 13ના મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બિહારના નાલંદા જિલ્લાના એક પરિવાર માટે આજનો દિવસ કાળ બનીને આવ્યો. ઝારખંડના રામગઢ જિલ્લામાં NH-33 પર થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 13 લોકોના મોત થયા છે, જ્યારે 1 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે.
મૃતકોમાં પ્રાઇવેટ સ્કૂલના ડાયરેક્ટર વિવેક કુમાર, તેમની પત્ની, માતા, 2 દીકરા અને 1 દીકરી સામેલ છે. તમામ મૃતકો બિહારના નાલંદા જિલ્લાના બેન થાના વિસ્તારના જંઘરો ગામના વતની હતા.
*ખુશી મનાવવા નીકળ્યા હતા*
પ્રાપ્ત માહિતી મુજબ, વિવેક કુમારની પત્નીની સરકારી શિક્ષક તરીકે નોકરી લાગી હતી. આ ખુશીના પ્રસંગે આખો પરિવાર રજરપ્પા મંદિરે દર્શન કરવા માટે સ્કોર્પિયો કારમાં જઈ રહ્યો હતો.
રામગઢના કુજ્જૂ પાસે તેમની કારને અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
*પોલીસ અને હોસ્પિટલની કાર્યવાહી*
અકસ્માતની જાણ થતાં જ કુજ્જૂ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ મૃતકો અને ઘાયલને રામગઢ સદર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ 13 લોકોને મૃત જાહેર કર્યા હતા. ઘાયલ વ્યક્તિની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
*ગામમાં શોકનો માહોલ*
એક સાથે 13 લોકોના મોતના સમાચારથી જંઘરો ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જે ઘરમાં નોકરી મળ્યાની ખુશી હતી, ત્યાં હવે કરુણ રુદન સંભળાઈ રહ્યું છે.પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

