દુર્ઘટના@દેશ: વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલાં શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો, 3 લોકોના મોત, 28 મુસાફરો ઘાયલ

આ અકસ્માત જયપુર-બીકાનેર નેશનલ હાઈવે પર ફતેહપુર પાસે થયો હતો
 
દુર્ઘટના@દેશ: વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલાં શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો, 3 લોકોના મોત, 28 મુસાફરો ઘાયલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં ફરી એકવાર ભયાનક દુર્ઘટના સામે આવી છે. જેમાં 3 લોકોના મોત નીપજ્યા હતા. સિકરમાં સ્લીપર બસ અને ટ્રક વચ્ચે થયેલી ભયાનક અથડામણમાં 3 લોકોના મોત થયા છે. 28 મુસાફરો ઘાયલ થયા છે. તેમાંથી સાતની હાલત ગંભીર છે. આ અકસ્માત જયપુર-બીકાનેર નેશનલ હાઈવે પર મંગળવારે મોડી રાત્રે 10:40 વાગ્યે ફતેહપુર પાસે થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં સવાર તમામ મુસાફરો વલસાડના રહેવાસી છે. આ બધા વૈષ્ણો દેવીના દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા અને ખાટુશ્યામજી જઈ રહ્યા હતા. બસમાં લગભગ 50 લોકો સવાર હતા.

માહિતી અનુસાર, સ્લીપર બસ બીકાનેર તરફથી જયપુર જઈ રહી હતી. જ્યારે ટ્રક ઝુંઝુનૂથી બીકાનેર તરફ જઈ રહ્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બસનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો. ઘણા મુસાફરો સીટોમાં જ ફસાઈ ગયા. અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ. હાઈવે પરથી પસાર થઈ રહેલા વાહનો રોકાઈ ગયા. સ્થાનિક લોકોએ તરત જ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી. બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી. ઘાયલોને તરત જ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. ડોકટરોની ઘણી ટીમો સારવારમાં લાગેલી છે.