દુર્ઘટના@ઝારખંડ: યાત્રા બની કાળ: બસ ઝાડ સાથે અથડાઈને પલટી, પતિ-પત્નીના મોત

12થી વધુ શ્રદ્ધાળુ ઘાયલ
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં રવિવાર રાત્રે મોટો અકસ્માત સર્જાયો. સમ્મેદ શિખરજીની યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહેલા સુરતના યાત્રાળુઓની બસ મધુબન પાસે અનિયંત્રિત થઈને પહેલા ઝાડ સાથે અથડાઈ અને બાદમાં ખાડામાં પલટી ગઈ.

આ ગમખ્વાર અકસ્માતમાં સુરતના પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ મોત થયું. મૃતકોની ઓળખ 51 વર્ષીય બાબુલાલ વંશરાજ જૈન અને તેમની પત્ની 49 વર્ષીય બદામી દેવી તરીકે થઈ છે. બંને બસની આગળની કેબિનમાં બેઠા હતા.

સુરતથી લગભગ 50 જૈન શ્રદ્ધાળુઓ પારસનાથ - શિખરજીના દર્શને ગયા હતા. દર્શન પૂર્ણ કર્યા બાદ બધા 8થી 10 બસમાં ટાટાનગર રેલવે સ્ટેશન જવા નીકળ્યા હતા, જ્યાંથી સવારે ગુજરાત જવા માટે ટ્રેન હતી. રાત્રે લગભગ 10 વાગ્યે એક બસે કાબૂ ગુમાવ્યો હતો.

અકસ્માતમાં 12થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. સ્થાનિક લોકોની મદદથી બસમાં ફસાયેલા યાત્રીઓને બહાર કાઢવામાં આવ્યા. ઘાયલોને પીરટાંડ આરોગ્ય કેન્દ્ર અને બાદમાં હજારીબાગ હોસ્પિટલ ખસેડાયા છે.

પ્રાથમિક કારણમાં ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે, જોકે પોલીસે તપાસ શરૂ કરી છે.