દુર્ઘટના@દેશ: અયોધ્યામાં પુરપાટ ઝડપે સ્કોર્પિયો ટ્રકમાં પાછળથી ઘૂસી, 3 લોકોના મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં ફરી એકવાર અક્સ્માતની ઘટના સામે આવી છે.અયોધ્યામાં પુરપાટ ઝડપે સ્કોર્પિયો ટ્રકમાં પાછળથી ઘૂસી ગઈ. ટક્કર એટલી ભયાનક હતી કે સ્કોર્પિયોની છત ઉડી ગઈ. ગાડી ખરાબ રીતે કચડાઈ ગઈ. તેના પૈડાં નીકળીને બહાર આવી ગયા. ઘટના સમયે તેમાં 7 લોકો સવાર હતા. જેમાંથી ત્રણ લોકો અંદર ફસાઈ જવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા.
જ્યારે 4 લોકો ઘાયલ થયા. ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ. લોકોએ જોયું તો તરત જ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી. ત્યારબાદ કાચ તોડીને સ્કોર્પિયોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા. એમ્બ્યુલન્સની મદદથી ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાં ઘાયલોને દાખલ કરવામાં આવ્યા છે. તેમની સારવાર ચાલી રહી છે.
ઘટના ગુરુવારે સવારે લગભગ 7 વાગ્યે રૌનાહી પોલીસ સ્ટેશન વિસ્તારના મુબારકગંજ પાસેના અયોધ્યા-લખનઉ નેશનલ હાઈવે પર બની હતી.નજરેજોનારના જણાવ્યા મુજબ સવારે લખનઉ તરફથી સ્કોર્પિયો આવી રહી હતી. ગાડીની સ્પીડ વધુ હતી. ગાડી જેવી જ મુબારકગંજના અયોધ્યા-લખનઉ નેશનલ હાઈવે પર પહોંચી. તેની આગળ એક ટ્રક જઈ રહ્યો હતો. સ્કોર્પિયોની સ્પીડ ઘણી વધુ હતી. ગાડી ચલાવી રહેલો વ્યક્તિ તેને કન્ટ્રોલ કરી શક્યો નહીં. સ્કોર્પિયો સ્પીડમાં પાછળથી ટ્રકની અંદર ઘૂસી ગઈ.
અકસ્માત બાદ રસ્તા પર ગાડીના કાચ અને પાર્ટ્સ તૂટીને વેરવિખેર થઈ ગયા. રસ્તા પર લોહી ફેલાયેલું હતું. જેના કારણે હાઈવે પર જામ લાગી ગયો. માહિતી મળ્યાના થોડા સમય બાદ જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી.
ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા બાદ ક્રેન બોલાવીને બંને વાહનોને રસ્તા પરથી હટાવ્યા. ત્યારબાદ વાહનોની અવરજવર શરૂ થઈ શકી.
પોલીસ સ્ટેશન પ્રભારી રતન શર્માએ જણાવ્યું કે- અકસ્માતમાં ટ્રક અને સ્કોર્પિયો વચ્ચે ટક્કર થતાં ત્રણ લોકોના મોત થયા છે. ત્રણેયના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
આ ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા છે. તેમની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અકસ્માતના સાચા કારણો હજુ સુધી જાણી શકાયા નથી. તેની તપાસ ચાલી રહી છે.

