દુર્ઘટના@દેશ: 120ની સ્પીડે કાર થાંભલા સાથે અથડાઈ, 6 લોકોના મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં આજે વહેલી સવારે એક અત્યંત ભયાનક અકસ્માત સર્જાયો છે. હરિયાણાથી હરિદ્વાર જઈ રહેલી એક કાર 120 કિમીની ઝડપે વીજળીના થાંભલા સાથે અથડાયા બાદ ડિવાઈડર તોડીને પલટી ગઈ હતી અને તેમાં આગ લાગતા કારમાં સવાર તમામ 6 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા.
કેવી રીતે બન્યો અકસ્માત?
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના આજે સવારે લગભગ 4:50 વાગે પાણીપત-ખતિમા નેશનલ હાઈવે પર તિતાવી પોલીસ સ્ટેશન હદના જગાહેડી ગામ પાસે બની હતી.
હિસાર જિલ્લાના રાખીગઢી ગામના 6 લોકો Hyundai Aura કારમાં હરિદ્વાર દર્શન માટે જઈ રહ્યા હતા. કાર ખૂબ જ ઝડપમાં હતી. અચાનક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી વીજળીના થાંભલા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે થાંભલાના બે ટુકડા થઈ ગયા.
થાંભલા સાથે અથડાયા બાદ કાર લગભગ 10 મીટર ડિવાઈડર તોડીને સામેની લેનમાં જઈને પલટી ગઈ હતી.
આગમાં લપેટાઈ ગઈ કાર
પલટ્યા બાદ કારની ફ્યુઅલ ટેન્ક ફાટતા આખી કારમાં આગ લાગી ગઈ હતી. કાર લોક હોવાથી અંદર બેઠેલા લોકો બહાર નીકળી શક્યા નહોતા. સ્થાનિક લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. લગભગ એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
બધા 6 લોકોને બહાર કાઢીને જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.
SP (ગ્રામીણ) અક્ષય સંજય મહાડિકે જણાવ્યું હતું કે, "કાર ડિવાઈડર અને થાંભલા સાથે અથડાયા બાદ સળગી ગઈ હતી. મૃતકોની ઓળખ કરવાની કાર્યવાહી ચાલી રહી છે." પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

