દુર્ઘટના@મહારાષ્ટ્ર: એસટી બસ અને કાર વચ્ચે ભીષણ ટક્કર, 5 લોકોના મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહારાષ્ટ્રના બીડ જિલ્લાના માજલગાંવ તાલુકામાં એક મોટો અકસ્માત થયો છે. અહીં રાજ્ય પરિવહનની એસટી બસ અને કાર વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ હોવાનું જણાવાઈ રહ્યું છે. અકસ્માત સવારે આશરે 11 વાગ્યે ખામગાંવ-પંઢરપુર નેશનલ હાઈવે પર શિંદેવાડી ફાટા નજીક થયો હતો. મળતી માહીતી મુજબ, કારમાં સવાર શ્રદ્ધાળુઓ તુલજાપુરમાં દર્શન માટે જઈ રહ્યા હતા.
બીડમાં તુલજાપુર જઈ રહેલા શ્રદ્ધાળુઓની એક કાર રાજ્ય પરિવહનની બસ સાથે અથડાઈ હતી. જેમાં પાંચ લોકોનાં મોત થયા અને એક ગંભીર રીતે ઘાયલ થયો. સ્થાનિક લોકોએ રસ્તાના નિર્માણ માટે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કેસ નોંધવાની માંગ કરી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તરત જ સ્થળ પર પહોંચી ગઈ અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી.
આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. નજીકમાં જ લગાવવામાં આવેલા એક સીસીટીવી કેમેરામાં અકસ્માત કેદ થયો હતું. સીસીટીવી કેમેરામાં કેદ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે અકસ્માત કેટલો ભયાનક હતો. વીડિયોમાં થોડા સમય સુધી વાહનો સામાન્ય ઝડપે આવતા-જતા દેખાઈ રહ્યા છે. આ દરમિયાન અકસ્માતમાં સામેલ બસ દેખાય છે અને ત્યારે જ સામે તરફથી આવી રહેલી બેકાબૂ કારે બસને જોરદાર ટક્કર મારી દીધી. વીડિયોમાં જોઈ શકાય છે કે કાર પહેલેથી જ બેકાબુ થઈ ગઈ હતી અને બસ સાથે અથડાઈ ગઈ, જ્યારે બસ પોતાની લેનમાં સામાન્ય ઝડપે દોડી રહી હતી. અકસ્માત બાદ કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. હાલમાં આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકોનાં મોત થયા છે.

