દુર્ઘટના@મુંબઈ: BMW ફ્લાયઓવર પરથી નીચે પડી, 3 લોકોનાં મોત

એક યુવક ગંભીર રીતે ઘાયલ છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ફરી એકવાર અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે. મુંબઈના કોસ્ટલ રોડ પર રવિવારે સવારે એક BMW ફ્લાયઓવર પરથી નીચે પડી ગઈ. અકસ્માતમાં કારમાં સવાર 3 લોકોનાં મોત થયા છે, જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ છે.

પોલીસના જણાવ્યા મુજબ, અકસ્માત સવારે લગભગ 5:20 વાગ્યે થયો હતો. કાળા રંગની BMW મરીન ડ્રાઇવથી હજી અલી તરફ જઈ રહી હતી. વધુ ઝડપ હોવાને કારણે ડ્રાઇવરે કાર પરનો કાબૂ ગુમાવ્યો.

ત્યારબાદ કાર ફ્લાયઓવર પરથી નીચે પડી ગઈ. અકસ્માતમાં BMWને ભારે નુકસાન થયું છે. શરૂઆતમાં અકસ્માતમાં 4 લોકો કચડાયા હોવાની માહિતી સામે આવી હતી.

20 વર્ષના એક યુવકને ગંભીર હાલતમાં નાયર હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. નાયર હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસરના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં મૃત્યુ પામેલા બે લોકોની ઓળખ 21 વર્ષીય શનાય ગજ્જલ અને 17 વર્ષીય ધિર્યા સેઠ તરીકે થઈ છે.

અન્ય એક મૃતકની ઉંમર આશરે 25 વર્ષ છે, પરંતુ તેની ઓળખ હજુ થઈ શકી નથી. બીજી તરફ, આશરે 20 વર્ષનો એક યુવક ગંભીર રીતે ઘાયલ છે. તેની નાયર હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં સારવાર ચાલી રહી છે.

મુંબઈ કોસ્ટલ રોડ 10.58 કિલોમીટર લાંબો ઝડપી માર્ગ છે, જે દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઇવને બાંદ્રા-વર્લી સી લિંકના વર્લી છેડા સાથે જોડે છે. પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી દીધી છે.