કાર્યવાહી@દિલ્હીઃ રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત: CBI-ED તપાસ વાળો આદેશ રદ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે બુધવારે અલ્હાબાદ હાઈકોર્ટના એ આદેશને રદ કરી દીધો છે, જેમાં CBI અને ED ને રાહુલ ગાંધી સામેના આવક કરતા વધુ સંપત્તિના આરોપોની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહના ની બેંચે કેસને ફરીથી વિચારણા માટે હાઈકોર્ટને પાછો મોકલ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, *પહેલા રાહુલ ગાંધીને પક્ષકાર બનાવી તેમનું પક્ષ સાંભળો, પછી જ નિર્ણય કરો.*
*શું હતો મામલો?*
ભાજપ કાર્યકર્તા એસ. વિગ્નેશ શિશિરે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં અરજી કરી હતી. તેમાં રાહુલ ગાંધી અને તેમના પરિવારના સભ્યોની સંપત્તિની CBI અને ED પાસે તપાસ કરાવવાની માંગ કરવામાં આવી હતી.
આ અરજી પર હાઈકોર્ટે CBI અને ED ને આરોપોની ચકાસણી કરી પ્રગતિ રિપોર્ટ આપવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે બંધ ચેમ્બરમાં સુનાવણી કરી હતી.
*રાહુલની દલીલ શું હતી?*
રાહુલ ગાંધી તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે, હાઈકોર્ટે તેમનું પક્ષ સાંભળ્યા વગર જ એકતરફી આદેશ આપી દીધો, જે કાયદાની સ્થાપિત પ્રક્રિયા વિરુદ્ધ છે. ફરિયાદીનો આ મામલા સાથે સીધો સંબંધ પણ નથી.
17 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટની કાર્યવાહી પર વચગાળાનો સ્ટે આપ્યો હતો અને CBI-ED ને રિપોર્ટ ન આપવા કહ્યું હતું.
*હવે શું થશે?*
હવે અલ્હાબાદ હાઈકોર્ટ આ કેસ પર નવેસરથી વિચાર કરશે. તેમાં અરજી સુનાવણીને લાયક છે કે નહીં, એ સવાલ પણ સામેલ છે. રાહુલ ગાંધીને પણ પોતાનો પક્ષ રજૂ કરવાની તક મળશે.

