જાહેરાત@દિલ્હી: અરવિંદ કેજરીવાલે ડૉ. આંબેડકર શિષ્યવૃત્તિ યોજનાની જાહેરાત કરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શાહના નિવેદન બાદ રાજકારણમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ડૉ. આંબેડકર મામલે વિરોધ વધારે ઉગ્ર બન્યો હતો. ત્યારેય આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે ડૉ. આંબેડકર શિષ્યવૃત્તિ યોજનાની જાહેરાત કરી હતી. કેજરીવાલે કહ્યું કે, દલિત પરિવારના બાળકના ભણતર અને વિદેશની યુનિવર્સિટીમાં જવાનો ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવશે.
અરવિંદ કેજરીવાલે કહ્યું, દલિત સમુદાયના કોઈ પણ બાળકને પૈસાના અભાવે ઉચ્ચ શિક્ષણ મેળવવાથી વંચિત ન રહેવું જોઈએ. હું ડૉ. આંબેડકર શિષ્યવૃત્તિની જાહેરાત કરું છું. જો કોઈ દલિત બાળક વિશ્વની કોઈપણ ટોચની યુનિવર્સિટીમાં ભણવા માગે છે, તો તે ફક્ત પ્રવેશ લઈ લે. તે યુનિવર્સિટીમાં તેના અભ્યાસનો ખર્ચ અને મુસાફરીનો તમામ ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવશે.
તેમણે કહ્યું, આંબેડકરે વિદેશમાં અભ્યાસ કર્યા બાદ ડબલ પીએચડી કર્યું છે. સ્વતંત્ર ભારતમાં કોઈ પણ બાળકને વિદેશી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે. આ યોજના સરકારી અધિકારીઓ પર પણ લાગુ થશે. ભાજપ અને અમિત શાહ આંબેડકરની મજાક ઉડાવી રહ્યા છે. અમે આ યોજના દ્વારા તેનો જવાબ આપી રહ્યા છીએ.
દિલ્હી વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 23 ફેબ્રુઆરી, 2025ના રોજ સમાપ્ત થાય છે. આગામી બે મહિનામાં ચૂંટણી યોજાઈ શકે છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી ફેબ્રુઆરી 2020માં યોજાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીએ સંપૂર્ણ બહુમતી અને 70માંથી 62 બેઠકો જીતી હતી.