રમત@દેશ: અફઘાનિસ્તાને શ્રીલંકાને હરાવ્યું અને ટીમ સેમીફાઈનલમાં પહોંચી ગઈ

 શ્રીલંકાને 8 રનથી હરાવ્યું
 
રમત@દેશ: અફઘાનિસ્તાને શ્રીલંકાને હરાવ્યું અને ટીમ સેમીફાઈનલમાં પહોંચી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અફઘાનિસ્તાન ટીમની શાનદાર જીત થઇ છે. અફઘાનિસ્તાને એશિયન ગેમ્સ 2023  ફાઇનલમાં શ્રીલંકાને 8 રનથી હરાવ્યું. આ જીત સાથે અફઘાનિસ્તાનની ટીમ પણ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. અહીં એક ખાસ વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં અફઘાનિસ્તાને શ્રીલંકાને બે વાર હરાવ્યું છે.

તમને જણાવી દઈએ કે મંગળવારે અફઘાનિસ્તાને વર્લ્ડ કપ 2023ની પ્રેક્ટિસ મેચમાં શ્રીલંકાને પણ હરાવ્યું હતું.

ચીનના હાંગઝોઉમાં આયોજિત એશિયન ગેમ્સ 2023માં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું. શ્રીલંકાના કેપ્ટનનો આ નિર્ણય સાચો સાબિત થયો અને અફઘાનિસ્તાનનો ઓપનિંગ બેટ્સમેન સૈદીકુલ્લાહ અટલ માત્ર એક રન બાદ પેવેલિયન પરત ફર્યો. જો કે આ પછી મોહમ્મદ શહઝાદ (20), નૂર અલી ઝાદરાન (51) અને શાહિદુલ્લાહ (23)એ નાની પરંતુ મહત્વની ઇનિંગ્સ રમી અને અફઘાનિસ્તાનના સ્કોરને 100ની નજીક પહોંચાડી દીધો.

ત્યારબાદ અફઘાનિસ્તાને ઝડપથી વિકેટ ગુમાવવાનું શરૂ કર્યું. એક સમયે 92 રનમાં બે વિકેટના સ્કોર સાથે મજબૂત દેખાતી અફઘાન ટીમે માત્ર 24 રન ઉમેરીને તેની છેલ્લી 8 વિકેટ ગુમાવી દીધી હતી. પરિણામ એ આવ્યું કે આખી અફઘાન ટીમ 19મી ઓવરમાં 116 રનમાં સમેટાઈ ગઈ. જોકે આ નાના સ્કોરે પણ અફઘાનિસ્તાનને જીત અપાવી હતી.

અફઘાનિસ્તાનના બોલરોએ શરૂઆતથી જ ચુસ્ત બોલિંગ કરી હતી અને શ્રીલંકાના બેટ્સમેનોને રન બનાવાની કોઈ તક આપી ન હતી. શ્રીલંકાએ નિયમિત અંતરે પોતાની વિકેટો ગુમાવી હતી. જો કે એક સમયે શ્રીલંકાની ટીમ 8.1 ઓવરમાં 60/3ના સ્કોર સાથે સારી સ્થિતિમાં હતી, પરંતુ અહીંથી વિકેટ પત્તાની જેમ પડી અને શ્રીલંકાની આખી ટીમ 108 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. અફઘાનિસ્તાન તરફથી ગુલબદિન નાયબ અને કૈસ અહેમદે 3-3 વિકેટ લીધી હતી.

અફઘાનિસ્તાનની ટીમ હવે એશિયન ગેમ્સ 2023ની સેમિફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાશે. પાકિસ્તાને હોંગકોંગને હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. બીજી તરફ બીજી સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ અને મલેશિયા વચ્ચેની ક્વાર્ટર ફાઇનલની વિજેતા ટીમ સાથે થશે.