અપડેટ@દેશ: સંપત્તિ હડપ કર્યા બાદ માવતરને સતાવતા બાળકો સામે કોર્ટ ખફા

માતાની ફરિયાદના વિરોધમાં તેના પુત્રે દલીલ કરી
 
અપડેટ@દેશ: સંપત્તિ હડપ કર્યા બાદ માવતરને સતાવતા બાળકો સામે કોર્ટ ખફા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

બાળકો માતા-પિતાની સેવા બરાબર રીતે નહી કરે તો તેમના નામે કરવામાં આવેલી સંપત્તિને પરત પણ લઇ શકાશે. આ ચુકાદો મદ્રાસ હાઇકોર્ટે સંભળાવ્યો છે.

મદ્રાસ હાઇકોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે માતા-પિતાને જો એમ લાગે કે તેમને કોઇ પ્રેમ અને સત્કાર વગર રાખવામાં આવી રહ્યા છે તો તેઓ એકતરફી નિર્ણય કરીને બાળકોને આપેલી સંપત્તિના વિલને રદ્દ કરી શકે છે. ન્યાયમૂર્તિ એસએમ સુબ્રમણ્યમે માતાના હક્કમાં ચુકાદો આપતાં જણાવ્યું હતું કે માતાપિતા બાળકોના ફાયદા માટે પ્રેમથી પોતાની સંપત્તિ વિલ બનાવીને બાળકોના નામે કરી આપે છે પણ તેમણે નાગરિકતા કાયદો અને માતા-પિતાના ભરણપોષણ તથા કલ્યાણ અધિનિયમ પર ખરા ઊતરવું પડશે.

હાઇકોર્ટે સબ-રજિસ્ટ્રારના ચુકાદાને યોગ્ય ઠેરવતાં જણાવ્યું હતું કે સંપત્તિનું વિલ બનાવતા સમયે પ્રેમ અને લગાવ વિચારણીય બાબત છે. પણ કોઇ આ અધિનિયમોનું ઉલ્લંઘન કરે છે તો તેને બદલી શકાય છે.

તમિલનાડુના તિરુપુરની માતાને ન્યાય મળ્યો

હાઇકોર્ટે જણાવ્યું હતું કે સબ-રજિસ્ટ્રારના આદેશમાં કોઇ કમી નથી. તમિલનાડુના તિરુપુરની રહેવાસી શકીરા બેગમે પોતાની સંપત્તિને પુત્ર મોહમ્મદ દયાનના નામે કરી દીધી હતી. જો કે પછી માતાએ સબ-રજિસ્ટ્રારને ફરિયાદ કરી જણાવ્યું હતું કે તેણે પોતાની સંપત્તિ પુત્રને એ શરતે ટ્રાન્સફર કરી હતી કે તે તેનો ખ્યાલ સારી રીતે રાખશે.

પુત્રની માતાને સાચવવાની શરત ન હોવાની દલીલ

માતાની ફરિયાદના વિરોધમાં તેના પુત્રે દલીલ કરી હતી કે 20 ઓક્ટોબર 2020ના રોજ જે વિલ બનાવવામાં આવ્યું હતું તેમાં આવી કોઇ વાત કરવામાં આવી ન હતી કે તેણે વિલના અવેજમાં માતાની સંભાળ રાખવાની છે. બેન્ચે જણાવ્યું હતું કે નિયમોની તમામ જોગવાઇઓનો ઉદ્દેશ એ છે કે સિનિયર સિટિઝન્સના અધિકારોની રક્ષા થઇ શકે, તેમની સાથે માનવીય વર્તન થાય. જ્યારે માનવીય વ્યવહાર તેમના પ્રત્યે બેરુખ છે અને તેમની સુરક્ષા અને સમ્માનની ફરજ બજાવાતી નથી તો જોગવાઇઓને લાગુ કરવી પડશે.