બનાવ@મુંબઈ: મટકી ફોડ કાર્યક્રમો દરમિયાન 35 ગોવિંદા નીચે પછડાયા હોવાની ઘટના બની
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશભરમાં જન્માષ્ટમીનો તહેવાર ધુમધામથી ઉજવાઈ રહ્યો છે. દેશના ઘણા શહેરોમાં મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરાયું છે. ઘણા સ્થળોએ મટકી ફોડ કાર્યક્રમ પણ શરૂ થઈ ગયો છે. ત્યારે સૌથી વધુ મુંબઈમાં જન્માષ્ટમી કાર્યક્રમો વધુ યોજાય છે. ત્યારે આ વર્ષે પણ મુંબઈના ઘણા ભાગોમાં મટકી ફોડ કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. ત્યારે મુંબઈમાં કેટલાક ભાગોમાં મટકી ફોડ કાર્યક્રમો દરમિયાન 35 ગોવિંદા નીચે પછડાયા હોવાની ઘટના સામે આવી છે.
ઘટનામાં 22 ઈજાગ્રસ્તોની વિવિધ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જ્યારે 4 ગોવિંદા ગંભીર ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે.
સૌથી વધુ મુંબઈમાં ઉજવાય છે મટકી ફોડ કાર્યક્રમો
દરમિયાન મુંબઈમાં કૃષ્ણ જન્મોત્સવના દિવસે મટકી ફોડનો કાર્યક્રમ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ દરમિયાન ગોવિંદાનું ગ્રુપ એક માનવ પિરામીડ બનાવે છે. એટલે કે ઊંચે બાંધેલી દહીં હાંડી ફોડવા ગ્રુપના સભ્યો તેની નીચે ગોળાકારમાં ઉભા રહે છે, ત્યારબાદ તે સભ્યોના ખભા પર બીજા અન્ય સભ્યો ગોળાકાર બની ઉભા રહે છે. જેટલી ઊંચે દહીં હાંડી હોય તેટલે ઊંચે સભ્યોને ગોળાકાર તરીકે ઉભા રાખવામાં આવે છે. અને છેક ઉપર એક ગોવિંદા દ્વારા મટકી ફોડવામાં આવીને જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. ત્યારબાદ છેક ઉપર સુધી ગોળાકારમાં ઉભેલા સભ્યો છેક નીચે સુધી પછડાય છે, જેના કારણે મુંબઈમાં આવી ઘટનાઓ બનતી રહે છે.
મટકી ફોડ કાર્યક્રમનને ધ્યાને રાખી હોસ્પિટલોમાં 125 બેડ તૈયાર
મુંબઈમાં મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન અત્યાર સુધીમાં 35થી વધુ ગોવિંદા ઈજાગ્રસ્ત થયા છે. અધિકારીઓે જણાવ્યું કે, તેમાંથી 4ની હાલત ગંભીર થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ કહ્યું કે, 2-2 ગોવિંદાને મુંબઈની પરેરમાં નગર નિગમ દ્વારા સંચાલિત કેઈએમ હોસ્પિટલમાં અને ઘાટકોપરની રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમાંથી 22ની સારવાર સરકારી અને નગરપાલિકા હોસ્પિટલની ઓપીડીમાં કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, મટકી ફોડ કાર્યક્રમનને ધ્યાને રાખી બીએમસીએ ગોવિંદાની સારવાર માટે નગરપાલિકા દ્વારા સંચાલિત હોસ્પિટલોમાં 125 બેડ તૈયાર કર્યા છે.