ઘટના@મધ્યપ્રદેશ: કૂનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત, કુલ 9 ચિત્તાના મોત

 
Kuno

અટલ સમાચાર, ડેસ્ક

મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત થઈ ચુક્યું છે. અત્યાર સુધીમાં કુલ 9 ચિત્તાના મોત થઈ ચુક્યા છે. તેમાં 6 વયસ્ક, 3 બાળ ચિત્તા સામેલ છે. આજે જે ચિત્તાનું મોત થયું તે માર્ચ બાદથી મરનારો છઠ્ઠો વયસ્ક ચિત્તો છે. મધ્યપ્રદેશના વન વિભાગ દ્વારા આના વિશે બુધવારે એક નિવેદન જાહેર કરીને જાણકારી આપી છે.

મધ્યપ્રદેશ વનવિભાગે કહ્યું કે, આજે સવારે માદા ચિત્તામાંથી એક ધાત્રી મૃત સ્થિતિમાં મળી આવી છે. મોતનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. 14 ચિત્તા જેમાંથી સાત નર, 6 માદા અને એક બાળ માદાને કુનોના વાડામાં રાખવામાં આવ્યા છે. એક માદા ચિત્તા ખુલા વિસ્તારમાં છે જેના પર એક ટીમ નજર રાખી રહી છે. વનવિભાગે એક નિવેદનમાં જણાવ્યું કે, તેને હેલ્થ ચેકઅપ માટે લાવવા માટેના પ્રયાસ ચાલી રહ્યાં છે. કુનો નેશનલ પાર્કમાં 26 જુનના સુરજ ચિત્તાને મોડી સાંજે ખુલ્લા જંગલમાં છોડાયો હતો. સુરજ 10મો ચિત્તો હતો જે કુનો નેશનલ પાર્કના ખુલ્લા જંગલમાં છોડવામાં આવ્યો હતો. તેજસનું મોત પણ 11 જુલાઈના રોજ થયું હતુ.

ઉલ્લેખનીય છે કે, કૂનો નેશનલ પાર્કમાં નામીબિયા અને સાઉથ આફ્રીકાથી 20 ચિત્તાઓ લાવવામાં આવ્યા હતા પણ અલગ-અલગ કારણોથી અત્યાર સુધીમાં 6 પુખ્ત વયના અને 3 બાળ ચિત્તાના મોત થઈ ચુક્યા છે. વનવિભાગના નિવેદનમાં જણાવાયું છે કે, કૂનો નેશનલ પાર્કમાં રાખવામાં આવેલા 7 નર, 6 માદા અને એક બાળ ચિત્તા મળી કુલ 14 ચિત્તા સ્વસ્થ છે. કૂનો વન્યપ્રાણી તબીબી ટીમ અને નામીબિયાના તજજ્ઞો દ્વારા ચિત્તાની હેલ્થ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.