સ્પોર્ટ્સ@દેશ: પાકિસ્તાન ક્રિકેટ ટીમનું ભારતમાં આગમન, કેસરિયા ખેસ સાથે બાબર આઝમનું સ્વાગત
અટલ સમાચાર, ડેસ્ક
પાકિસ્તાનની ટીમ ભારત પહોંચી ગઈ છે, ગુરુવારે હૈદરાબાદ પહોંચેલી પાકિસ્તાનની ટીમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું છે. પાકિસ્તાનની ટીમના ઘણાં પ્લેયર્સ લાંબા સમય પછી અને કેટલાક તો પહેલીવાર ભારતમાં રમવા માટે ઉતરશે. જ્યારે પાકિસ્તાની ટીમ હૈદરાબાદ પહોંચી ત્યારે કેસરિયા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનની ટીમ વર્લ્ડકપ રમવા માટે ભારત આવશે કે કેમ તેને લઈને ઘણાં પ્રશ્નો અને ચર્ચાઓ હતી પરંતુ આખરે ટીમ ભારત આવી ગઈ છે અને હવે આગામી સમયમાં એશિયા કપની યાદોને ભૂલાવીને તેમાંથી નવી શીખ મેળવીને વર્લ્ડકપમાં રમાવા માટે આતુર છે.
બાબર આઝમ અને તેની ટીમનું સ્વાગત કેસરિયા ખેસ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બાબર આઝમ એક વીડિયોમાં દેખાઈ રહ્યો છે જેમાં તેના ગળામાં કેસરિયો ખેસ જોવા મળી રહ્યો છે. કેપ્ટન સહિત પાકિસ્તાનની ટીમના બાકી ખેલાડીઓનું પણ ભારે ઉમળકા સાથે હૈદરાબાદમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. બાબર આઝમની બોડી લેંગ્લેજ દર્શાવી રહી હતી કે તે ભારતમાં આવીને જે પ્રમાણેનું સ્વાગત કરવામાં આવ્યું હતું તે જોઈને ઘણો જ ખુશ હતો. તેના ચહેરા પર હાસ્ય પણ હતું.
પાકિસ્તાનની ટીમ વર્લ્ડકપની શરુઆત કરે તે પહેલા વોર્મઅપ મેચ રમવાની છે, ટીમ હૈદરાબાદમાં ન્યૂઝીલેન્ડ સામે 29મી સપ્ટેમ્બરે બપોરે બે વાગ્યે રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ રમવા માટે ઉતરશે. આ પછી બીજી વોર્મઅપ મેચ વર્લ્ડકપના પ્રારંભના બે દિવસ અગાઉ એટલે કે 3 ઓક્ટોબરે હૈદરાબાદમાં જ ઓસ્ટ્રેલિયા સામે રમવા માટે ઉતરશે.
પાકિસ્તાન અને ભારત વચ્ચે કેટલાક પ્રતિબંધોના કારણે સરળ રીતે ભારત આવી શકાય તેના બદલે પાકિસ્તાનની ટીમે પોતાના દેશથી દુબઈ જઈને પછી ત્યાંથી ભારતની ફ્લાઈટમાં હૈદરાબાદ પહોંચવું પડ્યું હતું. બાબર આઝમે ભારત આવતા પહેલા ઉત્સાહ વ્યક્ત કર્યો હતો અને તેની ટીમ શ્રીલંકામાં યોજાયેલી એશિયા કપમાં જે થયું તે ભૂલાવીને તેમાંથી જે શીખવાનું છે તે શીખીને આગળ વધવા માગે છે. પાકિસ્તાનની ટીમ 6 ઓક્ટોબરના રોજ નેધરલેન્ડ સામે પોતાની વર્લ્ડકપની પહેલી મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે.