વાતાવરણ@દેશ: જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઇ, 11 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ

બર્ફીલા પવનોને કારણે હિમાચલના 3 શહેરોમાં તાપમાન માઈનસમાં પહોંચી ગયું છે. તાબોમાં સૌથી ઓછું તાપમાન માઈનસ 5 ડિગ્રી નોંધાયું હતું.
 
હિમવર્ષા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં શિયાળાની ઋતુ ચાલુ છે. કેટલાક વિસ્તારમાં કડકડતી ઠંડી પડી રહી છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં સતત હિમવર્ષા થઈ રહી છે. બર્ફીલા પવનોને કારણે હિમાચલના 3 શહેરોમાં તાપમાન માઈનસમાં પહોંચી ગયું છે. તાબોમાં સૌથી ઓછું તાપમાન માઈનસ 5 ડિગ્રી નોંધાયું હતું. આગામી 4 દિવસ સુધી અહીં હિમવર્ષા થવાની સંભાવના છે.

આ સિવાય સોમવારે સવારે દેશના 11 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ પણ છવાયું હતું. મધ્યપ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડ ઉપરાંત ઉત્તર પૂર્વના રાજ્યોમાં વિઝિબિલિટી ઘટી છે. દિલ્હીમાં ધુમ્મસના કારણે 19 ટ્રેનો મોડી પડી હતી.

બર્ફીલા પવનોને કારણે ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ઈટાવામાં પારો 5 ડિગ્રીએ પહોંચ્યો હતો. અયોધ્યામાં ઠંડીના કારણે 5મા ધોરણ સુધીની શાળાઓ બંધ રાખવામાં આવી હતી. તેમજ, 6 થી 12 સુધીની શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

પંજાબમાં પણ કોલ્ડવેવના કારણે શિયાળાની અસર યથાવત છે. અમૃતસરમાં સોમવારે સવારે પારો 4.8 ડિગ્રી નોંધાયો હતો. હવામાન વિભાગે કહ્યું કે આગામી 24 કલાકમાં તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે.

બીજી તરફ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોલ્ડવેવની કોઈ એલર્ટ નથી, પરંતુ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એમપીના શહડોલમાં પારો 3.4 ડિગ્રીએ પહોંચી ગયો છે. તેમજ, રાજસ્થાનના 12 શહેરોમાં પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો.