વાતાવરણ@દેશ: ઉત્તર પ્રદેશના 40 જિલ્લામાં ગાઢ ધુમ્મસના કારણે 100 મીટરની વિઝિબિલિટી નોંધાઈ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં શિયાળાની ઋતુ ચાલુ છે. કેટલાક વિસ્તારમાં કડકડતી ઠંડી પડી રહી છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાના કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીની અસર યથાવત છે. નવા વર્ષના પ્રથમ દિવસે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત દેશના 16 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું.
ઉત્તર પ્રદેશના 40 જિલ્લામાં ગાઢ ધુમ્મસના કારણે 100 મીટરથી વધુ દૂર સુધી જોવામાં મુશ્કેલી પડી રહી હતી. મધ્યપ્રદેશના ભોપાલ-ઉજ્જૈન સહિત અનેક જિલ્લાઓમાં 100 મીટરની વિઝિબિલિટી પણ નોંધાઈ હતી. હરિયાણામાં ધુમ્મસના કારણે 30 ટ્રેનોને અસર થઈ હતી. જેમાં 19 ટ્રેનો 30 મિનિટથી 6 કલાક મોડી પડી હતી. 11 ટ્રેનો રદ કરવી પડી હતી. અહીંના 13 જિલ્લાઓ માટે કોલ્ડવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજસ્થાનના 3 શહેરોમાં તાપમાન 5 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. માઉન્ટ આબુમાં પારો 2.2 ડિગ્રી નોંધાયો હતો. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં તાપમાનનો પારો વધુ ગગડી શકે છે. જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસન માટે પ્રખ્યાત ગુલમર્ગમાં તાપમાન માઈનસ 11.5 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે પહેલગામમાં માઈનસ 8.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હિમાચલ પ્રદેશમાં પણ 6 દિવસ સુધી હિમવર્ષાનું એલર્ટ છે.